ઇઝરાયેલમાં લાખો લોકો રસ્તા પર છે. આ લોકો નેતન્યાહૂની સરકારના ન્યાયીક પ્રણાલીમાં ફેરફારની યોજના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, ન્યાયીક પ્રણાલીમાં ફેરફારની યોજનાથી દેશના મુળભુત લોકશાહીના સિદ્ધાંતોને ખતરામાં નાખ્યા છે. આરોપ છે કે, સરકારે આ ફેસલાને કારણે કોર્ટની શક્તિઓ ઘટી જશે. ગયા અઠવાડીયે પણ તેલ અવીવમાં મોટા સ્તર પર વિરોધ પ્રદર્શન થયા હતા. રિપોર્ટ્સ અનુસાર ત્યારે અહીં 80 હજાર કરતા વધારે લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શનોના કારણે મધ્ય તેલ અવીવમાં અનેક માર્ગોને પ્રદર્શનકર્તાઓએ બંધ કરી દીધા હતા. જેને હટાવવા માટે મોટા પ્રમાણમાં પોલીસ દળ કામે લગાડવામાં આવ્યું હતું. પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે, ન્યાયમંત્રી યારિવ લેવિન દ્વારા લવાયેલા પ્રસ્તાવોથી હાઇકોર્ટની ન્યાયિક સમીક્ષાની શક્તિઓ પર પ્રભાવ પડશે અને જજોની નિયુક્તિ પર રાજનીતિક નિયંત્રણ હશે, જેના કારણે ન્યાયપાલિકાને નબળી પાડી શકાય છે. ત્યાની લોકલ મીડિયા ધ ટાઉમ્સ ઓફ ઇઝરાયલના અનુસાર શનિવારે એક લાખ કરતા પણ વધારે લોકો તેલ અવીવના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેને ઇઝરાયેલના ઇતિહાસનું સૌથી મોટો વિરોધ પ્રદર્શન ગણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત યરુશલમ, હાઇફા, બેર્શેબા, હર્જલિયા સહિત સમગ્ર દેશના અનેક શહેરોમાં હજારો લોકોએ રસ્તા પર રેલીઓ પણ આયોજીત કરી હતી. લેખલ ડેવિડ ગ્રોસમેને ભીડને સંબોધિત કરતા કહ્યું કે, ઇઝરાયલની સ્થાપના એટલા માટે કરવામાં આવી જેથી વિશ્વમાં એક સ્થાન હોય જ્યાં યહુદી લોકોના ઘર જેવું અનુભવી શકે. જો કે આટલા બધા ઇઝરાયેલી પોતાના જ દેશમાં અજનબી હોવાનો અનુભવ કરી રહ્યા છે તો સ્પષ્ટ છે કે કંઇક તો ખોટું થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, હવે અંધકારની ઘડી છે. હવે ઉભા થવાનો અને બુમો પાડવાનો સમય છે.