પાવીજેતપુર તાલુકાની સિહોદ ચોકડી ઉપર એક્સપ્રેસ એસટી બસો નું સ્ટોપેજ છોટાઉદેપુરના ધારાસભ્યએ મંજૂર કરાવતા જનતામાં આનંદની લહેર
પાવીજેતપુર તાલુકા ની સિહોદ ચોકડી ઉપર એક્સપ્રેસ એસટી બસો નું સ્ટોપેજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા મંજૂર કરાવવામાં આવતા ૧૫ થી વધુ ગામોની જનતામાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકા ની સિહોદ ચોકડીના આસપાસના ૧૫ થી વધુ ગામોની જનતાને એક્સપ્રેસ એસટી બસમાં બેસવું હોય તો પાવીજેતપુર જવું પડતું હતું. એમાં પણ દૂરના રૂટની બસમાં બેસવાનું હોય ત્યારે જનતા પાસે સ્વભાવિક રીતે જ બિસ્તરા,પોટલાં વધુ હોય ત્યારે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે અંગે સિહોદ ચોકડીની આસપાસના ગામો જેવા કે શીથોલ, નાની બૂમડી, મોટી બુમડી, વાઘવા, ઠલકી, વદેશ્યા, હૂડ વગેરે ૧૫ થી વધુ ગામોની જનતાએ નવીન ચૂંટાયેલા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને ચોકડી ઉપર એક્સપ્રેસ એસટી બસોનું સ્ટોપેજ મંજૂર થાય તે અંગે રજૂઆત કરી હતી. જેને લઇ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ એસ ટી વિભાગમાં રજૂઆત કરતા એક્સપ્રેસ એસટી બસો નું સ્ટોપેજ સિહોદ ચોકડી ખાતે મંજૂર કરી દેવાનો લેટર બોડેલી, ડભોઇ, છોટાઉદેપુર, કરજણ, વાઘોડિયા અમદાવાદ, ગોંડલ વગેરે એસટી ડેપોમાં મોકલી આપવામાં આવ્યો છે. સિહોદ ચોકડી ઉપર એક્સપ્રેસ બસોને સ્ટોપેજ મંજૂર થઈ જતા ૧૫ થી વધુ ગામોની જનતામાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
આમ, પાવીજેતપુર તાલુકા ની સિહોદ ચોકડીની આસપાસના લોકોને વર્ષોથી એક્સપ્રેસ એસટી બસમાં બેસવા માટે પાવીજેતપુર કે સુસ્કાલ મુકામે જવું પડતું હતું જે તાજેતરમાં જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ સિહોદ ચોકડી ઉપર સ્ટોપેજ મંજૂર કરાવી દેતા જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.