કડી શહેર તેમજ તાલુકાની અંદર ગેરકાયદેસર ધંધા કરતાં ઇસમો ઉપર કડી પોલીસે લાલ આંખ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી સુજાતપુરા રોડ ઉપર આવેલા શિવાલય સોસાયટીમાં અલ્ટો ગાડીમાંથી પોલીસે 52 હજારનો વિદેશી દારૂ તેમજ બિયરના ટીન ઝડપી પાડીને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ પ્રોહિબિશન લગત કામગીરીમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સુજાતપુરા રોડ ઉપર હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિવાલય સોસાયટીમાં અલ્ટો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસોએ બાતમીની ખરાઈ કરીને કોર્નર કરીને રેડ કરતા સ્થળ ઉપરથી આરોપી ફરાર થઈ ચૂક્યો હતો અને અલ્ટો ગાડીનો પોલીસે કબજો મેળવીને તલાસી કરતાં અંદરથી વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.

કડી પોલીસે શિવાલય સોસાયટીમાં કોમન પ્લોટમાં પડેલી અલ્ટો ગાડીની તલાશ કરતા અંદરથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન અલગ અલગ બ્રાન્ડના અને નાના-મોટા 200 મળી આવ્યા હતા. જ્યારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતી હતી અને પોલીસે 2,52,000નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.