બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.