ડીસા તાલુકામાં દૂધની બરણીને પગ લાગી જતા જેવી નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આરોપીને મૃત્યુ પામનાર વ્યક્તિને '...મારી બરણી તને દેખાતી નથી' કહી પહેલા માથામાં બરણી મારી હતી. તેના પછી હોસ્પિટલમાં લઈ જતા સમયે પિતા-પુત્રએ 'આજે તો તને જીવતો નહીં છોડીએ' કહી લાકડા અને છરીના ઘા ઝિંક્યા હતા. હોસ્પિટલમાં અઠવાડિયાની સારવાર બાદ અંતે 50 વર્ષીય આધેડે દમ તોડ્યો હતો. આ મામલે ભીલડી પોલીસે હત્યા કરનારા પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના ભીલડી પાસે આવેલા વાહરા ગામે અઠવાડિયા અગાઉ મેરુજી ઠાકોર બીડી લેવા માટે ગામમાં આવેલા ગલ્લા પર ગયો હતો. તે સમયે ત્યાં આવેલા ભુરાજી ઠાકોરની દૂધની બરણીને પગ અડી જતા બંને વચ્ચે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલા ભુરાજીએ મેરુજીને માથાના ભાગે બરણી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત મેરુજી ઠાકોર પોતાના ઘરે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત ભાઈને જોઈ શ્રવણજી ઠાકોર તેને તરત જ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ભૂરાજી ઠાકોર અને તેના પિતા પરબતજી ઠાકોરે ફરી છરી અને લાકડી વડે હુમલો કરી મેરુજીના પેટના ભાગે છરીના આડેધડ ઘા મારી લોહી લુહાણ કરી નાસી ગયા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત મેરુજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હાલત ગંભીર જણાતા ડોક્ટરોએ ઈજાગ્રસ્ત મેરુજીને પાલનપુર ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ભીલડી પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.