ભારત દેશમાં ખેત વિષયક ગણના સૌ પ્રથમવાર ડિઝીટલાઇજડ પધ્ધતીથી ઇલેકટ્રોનિક ઉપરકરણ જેવા કે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ , કોમ્યુટરથી થનાર છે.જેના ભાગરૂપે  પાટણ જિલ્લામાં ખેતી વિષયક ગણના -૨૦૨૧-૨૨ ની કામગીરી કરવા માટે રાજ્ય કક્ષાએથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ખેતી વિષયક ગણનામાં ડેટા કલેકશનની માહિતી જેમ કે ગામમાં કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર , ખેતી લાયક – બિન ખેતી લાયક જમીન, માલિકી હોલ્ડર અને હોલ્ડીંગની વિગત વગેરે જેવી માહિતી  પાવર પોઈન્ટ પ્રેજન્ટેશનથી રજુ કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં આગામી સમયમાં કૃષિલક્ષી યોજનાઓ નું સુચારુ રૂપે અમલીકરણ થાય તે માટે એગ્રીકલ્ચરલ સેન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેનાં પગલે  નિવાસી અધિક કલેક્ટરશ્રી પાટણનાં માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં રંગ ભવન હોલ ખાતે મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ મહેસુલ તલાટીશ્રીઓ, તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓને તાલીમ આપવામા આવી હતી.આયોજીત ખેતી વિષયક ગણનાની તાલીમમાં એન્ડ્રોઈડ બેઝ્ડ એપ્લીકેશન અને વેબ બેજડ પોર્ટલની માહિતી રાજ્ય કક્ષાએથી એગ્રી સેન્સસ  યુનિટમાંથી આવેલ શ્રી નરેશ નાયક , મદદનીશ ખેતી નિયામક અને બીના ચૌહાણ , ખેતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ ખેતી વિષયક ગણનાથી આગામી સમયમાં ખેતલક્ષી સર્વેક્ષણો  અને નવીન યોજનાઓ ઘડી શકાશે.તાલીમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લાના તાલુકાના તમામ  મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને તલાટીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર