ડીસા તાલુકાના ઢુવા ગામેથી દારૂ વેચતા હોમગાર્ડ અને તેની પત્નીને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા 4,155 કિંમતની 47 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ સહિત 10 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે . જયંતીજી ખેમાજી ઠાકોર હોમગાર્ડ યુનિટ ડીસામાં ફરજ બજાવે છે . તે અને તેની પત્ની પોતાના રહેણાંક ઘરે દારૂ લાવી વેચતા હોવાની બાતમી મળતા બનાસકાંઠા એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી અને ઢુવા ગામે તેના ઘરે રેડ કરતા જયંતિ ઠાકોર તેમજ તેની પત્ની બંને હાજર હતા . પોલીસે તપાસ કરતા રહેણાંક મકાનની બાજુમાં ભેંસો બાંધવાના તબેલામાં મગફળીના ભુસા નીચે સંતાડેલ દારૂની બોટલો મળી આવી હતી . પોલીસે નાની - મોટી કુલ 4155 રૂપિયાની કિંમતની 47 દારૂની બોટલ જપ્ત કરી હતી . પોલીસે તેમની પાસેથી મોબાઈલ સહિત 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે . પોલીસે આ મામલે પ્રાથમિક પૂછપરછ કરતા જ્યંતિ ઠાકોરને વડગામનો કુલદીપસિંહ નામનો વ્યક્તિ તેની સેન્ટ્રો ગાડીમાં હોમ ડિલિવરી કરી દારૂનો જથ્થો આપી જતો હતો અને તે તેની પત્ની પાસે દારૂનું વેચાણ કરાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .