એ.સી.બી. ની સફળ ટ્રેપ, પાલનપુર ના મદદનીશ સરકારી વકીલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા..

આરોપી પક્ષે કોર્ટમાં કરેલી અપીલમાં મદદરૂપ થવા બદલ માગી હતી લાંચ..

બનાસકાંઠા ની પાલનપુર કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા ચકચાર મચી છે.. 

કોર્ટ કેસમાં આરોપીને મદદ કરવાના અવેજ પેટે લાંચની રકમની માગણી કરવામાં આવી હતી. જે ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી પાલનપુર સેશન્સ કોર્ટના ઈન્ચાર્જ સરકારી વકીલ નૈલેશ જોશીને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા..

આ કામના ફરિયાદીના દીકરા વિરુદ્ધ ફરિયાદીની પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કરેલ હતી.જેમાં ના.પાલનપુર બીજા એડિશનલ ચિફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ સાહેબનાઓની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીના દીકરાને સજા થયેલ હતી. જે હુકમની સામે આ ફરિયાદીના પુત્રએ બનાસકાંઠા ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુરમાં અપીલ દાખલ કરાવેલ હતી. જે કામે મદદરૂપ કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ નૈલેશ જોશીએ એક લાખ રૂપિયાની લાંચ માગી હતી..

ફરિયાદ મળ્યા બાદ એસીબીએ છટકું ગોઠવ્યું

ઈન્ચાર્જ સરકારી વકીલને ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપી પાલનપુરના જોરાવર પેલેસ રોડ પર આવેલા વિરાટ કોમ્પલેક્સમાં ચાની લારી પાસે લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..

પાલનપુરમાં સફળ ટ્રેપની કામગીરી એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ ખેડા એસીબીના પીઆઈ વી.આર.વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી..