ગત સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઉભી થયેલી પુરની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની કેન્દ્ર સરકારની આંતરમંત્રાલય ટીમ દ્વારા બોડેલી તાલુકા સેવાસદનના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને સમીક્ષા કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ ખેતીમાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ભારત સરકારની આંતર મંત્રાલય ટીમે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય આંતર મંત્રાલય ટીમમાં ડૉ. સુભાષ ચંદ્રા, ખેતીવાડી, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેકટર, વાય.એસ.વાર્સણેય, અધિક્ષક ઇજનેર, જળશક્તિ મંત્રાલય અને ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક નિરજા વર્માએ બેઠકમાં ઉપસ્થિત રહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે તા. ૧૦ અને ૧૧મી, જુલાઇના રોજ જિલ્લામાં થયેલા ભારે વરસાદથી ઉભી થયેલી વિકટ પરિસ્થિતિ અંગે આંતર મંત્રાલયની કેન્દ્રીય ટીમને વિગતે જાણકારી આપી હતી.

બોડેલી પ્રાંત ઉમેશ શાહે ભારે વરસાદના સમયે જિલ્લા વહીવીટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આવેલી કામગીરીનો ચિતાર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કર્યો હતો. આંતર મંત્રાલયની કેન્દ્રીય દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરતા તેઓ હવીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત રસ્તાઓના સમારકામ માટે કરવામાં આવેલી કામગીરી, મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા વીજ પુરવઠાના પુન:સ્થાપન માટે કરવામાં આવેલી કામગીરી, અસરગ્રસ્તોને ચૂકવવામાં આવેલ કેશડોલ, ઘરવખરી સહાય, મકાન સહાય, પશુ મૃત્યુ સહાય તેમજ માનવ મૃત્યુ સહાય અંગે પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદથી થયેલી સરકારી મિલ્કતોના નુકસાન અને ખેતીવાડીમાં થયેલા નુકસાન અંગે પણ  ટીમને માહિતગાર કરવામાં આવી હતી.

બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એમ.આર.ચૌધરી, કાર્યપાલક ઇજનેરો, ખેતવાડી, બાગાયત વિભાગના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.