ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટી નું ઉઠામણું, કેસર ક્રેડિટ કોપ સોસાયટી એ લોકોના નાણાં ડુબાડ્યા..

દૈનિક બચત યોજના રીકરીંગ સ્કીમ ના નામે અનેક નાના વેપારીઓ પાસેથી નાણા ઉઘરાવ્યા..

ડીસાના જલારામ મંદિર વિસ્તારમાં આવેલી કેશર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું થતાં ગ્રાહકોના આશરે બે થી ત્રણ રૂપિયા સલવાઈ ગયા છે જ્યારે દૈનિક બચત કરતા અનેક નાના વેપારીઓ તેમજ ગૃહિણીઓને રોવાનો વારો આવ્યો છે.જિલ્લામાં અગાઉ પણ અનેક ક્રેડિટ સોસાયટીઓનું ઉઠમણું થયું છે.

ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. જલારામ મંદિર વિસ્તારમાં નવા બસ સ્ટેશનની સામે હેડ ઓફિસ ધરાવતી અને હાલ હવાઈ પિલર સામે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં શિફ્ટ થયેલ કેશર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ ઉઠમણું કર્યું છે. જેમાં લોકોના ત્રણેક કરોડ રૂપિયા સલવાયા છે. આ અંગે સોસાયટીમાં નાણાંનું રોકાણ કરનારા ગ્રાહક મનીષ,લોધા, અર્જુન બોહરા અને હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય જગ્યાઓએ ક્રેડીટ સોસાયટીની શાખાઓ આવેલી છે. જેના ચેરમેન તરીકે વિજયભાઈ નરોત્તમભાઈ ત્રિવેદી, વાઇસ ચેરમેન તરીકે વિનોદભાઈ ચંપકલાલ દવે અને મેનેજર તરીકે દિલીપભાઈ નરોત્તમભાઈ ત્રિવેદી વહીવટ કરતા હતા. અનેક ગ્રાહકો આ કેશર ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા છે. કેસર ક્રેડિટ સોસાયટી ડીસા સહિત અન્ય વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પાસેથી દૈનિક બચત એટલે કે રીકરીંગ સ્વરૂપે નાણા એકત્રિત કરતી હતી જ્યારે લોકો પાસેથી ફિક્સ ડિપોઝિટ પણ ઊંચું વ્યાજ આપવાનું જણાવીને મુકાવતી હતી.આમ અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણીના પૈસા મૂક્યા છે. જ્યારે પાકતી મુદતે નાણાં લેવા ગયા ત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી અને હવે સંચાલકો તેમજ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. કેશર ક્રેડીટ સોસાયટીનું મેનેજમેન્ટ દ્વારા સગા વ્હાલાઓને લોન આપી દીધી હોવાનો આક્ષેપ રોકાણકારો કરી રહ્યા છે .લોકોના જે પૈસા હતા તેમાંથી લોનો આપી અને આ લોન રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા છે..

ડીસામાં કેસર ક્રોપરેટીવ ક્રેડિટ સોસાયટી એ લોકો પાસેથી દૈનિક બચત તેમજ ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે નાણા ઉઘરાવ્યા હતા. જેમાં અનેક ગ્રાહકોને પાકતી મુદતના ચેકો આપ્યા હતા પરંતુ ગ્રાહકોએ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા છે. ડીસાના સુરેશભાઈ મણીલાલ નાઈ એ જણાવ્યું હતું કે,મને એક મહિના અગાઉ આપેલો ચેક રિટર્ન થયો છે. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે.

ડીસા માં પાંચમી મંડળી ઉઠી 

ડીસા સરદાર અને ખેતેશ્વર બાદ અર્બુદા, આદર્શ અને હવે કેશર ક્રેડીટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. બનાસકાંઠાના લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. મોટાભાગે કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતી આવી લેભાગુ કંપનીઓ પર પણ વિશ્વાસ કરતા હોય છે અને પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે ત્યારે ચોક્કસ સરકાર હવે એક પોલિસી નક્કી કરવી પડશે કારણ કે આગામી સમયમાં આ પ્રકારે કોઈ ગરીબોના નાણાં સલવાય નહીં..