પાલનપુર ITI ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો..
સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો..
બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના PI શ્રી એ.વી.દેસાઇ તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા સાથેની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પાલનપુર ITI ખાતે વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરી રહેલા આશરે ૮૦૦ થી વધુ તાલીમાર્થી ભાઇ-બહેનોને સાયબર ક્રાઇમના વિવિધ બનાવો બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા. સેમિનારની શરૂઆતમાં PI શ્રી એ.વી.દેસાઇએ લોકજાગૃતિ સેમિનાર અંગે પ્રાસંગીક પ્રવચન ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની તમામ કામગીરીથી અવગત કરી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ટીમ દ્વારા નાણાં ફ્રીઝ કરવા બાબતે વાકેફ કર્યા હતા. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવાએ સાયબર ક્રાઇમના વિવિધ બનાવોથી બચવાના ઉપાયો સંદર્ભે તૈયાર કરેલ સુંદર પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઇમના વિવિધ બનાવો જેવા કે, ATM ફ્રોડ, KBC લોટરી ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન ફ્રોડ, વિદેશથી ફ્રેન્ડની ગિફ્ટના બહાને કસ્ટમ ઓફિસરના નામે થતું ફ્રોડ, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ જેવા સોશિયલ મિડીયા દ્વારા થતું ફ્રોડ, ફેક-હેક એકાઉન્ટ તેમજ તમામ પ્રકારની નાણાંકીય છેતરપિંડીના બનાવો બાબતે પોતાના અલગ જ રમૂજી અંદાજમાં પોલીસ કરતાં એક શિક્ષક તરીકે તાલીમાર્થીઓ સાથે તમામ બનાવોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી..
આ ઉપરાંત જો કોઇની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર ઇમરજન્સી કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અથવા તો www.cybercrime.gov.in ઉપર ઓનલાઇન કમ્પ્લેન કરવા બાબતેની પણ સમજ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં સાયબર અવેરનેસના પ્રેઝન્ટેશન બાદ સાયબર ક્રાઇમ ટીમના ઉપસ્થિત કર્મચારીઓએ તાલીમાર્થી ભાઇ-બહેનો સાથે જરૂરી પ્રશ્નોત્તરી કરી તેઓની સાથે બનેલ બનાવો બાબતે તેઓના પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું હતુ તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. ૧૯૩૦ નંબર કાયમ માટે યાદ રાખવા સમજ આપી હતી. સમગ્ર સેમિનારના આયોજનમાં ITI પાલનપુરના પ્રિન્સીપાલશ્રી તેમજ તમામ વહીવટી-તાલીમી સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર મળતાં આ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર ખૂબ જ સફળ રહ્યો હતો.