નવયુગ વિદ્યાલય-કુડાસણ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શન..
ગાંધીનગર જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન આજ રોજ નવયુગ વિદ્યાલય-કુડાસણના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વિજ્ઞાન મેળામાં સમગ્ર જિલ્લાની ૮૦ જેટલી શાળાના અંદાજીત ૧૭૦ બાળ વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો હતો. રમકડાં અને ટેકનોલોજી વિષયના મુખ્ય ઉદ્દેશ પર આધારિત કૃતિઓમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય, ઈકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધી ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નાવીન્ય, વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ તેમજ આપણા માટે ગણિત જેવા વિષય મુખ્ય હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પ્રાથમિક વિભાગની કૃતિઓ પણ આ પ્રદર્શનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. સદર પ્રદર્શનના અધ્યક્ષ અને દીપ પ્રાગટય વિધિના ઉદઘાટક મહાનુભાવ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને અતિથિવિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગરના નિયામકશ્રી ડી. એસ. પટેલ ખાસ હાજર રહ્યાં હતાં. પ્રદર્શનના સવિશેષ મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગવાનભાઈ પ્રજાપતિની અભિપ્રેરક ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના ગણિત-વિજ્ઞાાન શિક્ષકશ્રી રાકેશ પ્રજાપતિ અને અંકિતાબેન પટેલના પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રોજેક્ટ અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અને સારસ્વત મિત્રો ખડેપગે સેવારત રહ્યાં હતાં એમ એક અખબારી યાદીમાં કલોલ તાલુકા આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.