પાલનપુરમાં ઘરેથી નીકળી ગયેલી યુવતીને સંતાડી હોવાની આશંકા રાખી લક્ષ્મીપુરાના યુવકનું પાંચ શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કરી મારમાર્યો હતો. આ અંગે તેણે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર લક્ષ્મીપુરા ગોવિંદા હેરીટેઝ સોસાયટીમાં રહેતા પંકજકુમાર દેવચંદભાઇ ગામી (ઉ.વ. 31) સબમર્સીબલ પંપના વેપાર સાથે સંકળાયેલા છે. જેઓ શુક્રવારે બાઇક લઇને વડગામ ઉઘરાણી જવા નીકળ્યા હતા. ત્યારે નવાગંજ પાસે બાઇક મુકી રિક્ષામાં બેસવા જતા હતા.

તે દરમિયાન ગણેશપુરાના ભીખાભાઇ રામાભાઇ સુંઢીયા, શૈલેષ ભીખાભાઇ સુંઢીયા, પવન ભીખાભાઇ સુંઢીયા, રમેશભાઇ શંકરભાઇ સુંઢીયા અને પશાભાઇ શંકરભાઇ સુંઢીયાએ તેમને રિક્ષામાંથી બહાર ખેંચી મારમાર્યો હતો. તેમજ ઇકો ગાડીમાં અપહરણ કરી શહેરના સીમલાગેટ વિસ્તારમાં ઉતારી નાસી ગયા હતા. જેમને ઇજાઓ થઇ હોવાથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પંકજભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.