ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગનું આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. હાલ તો પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 12 અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણ પર્વ પર હવામાનને લઈ શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે.અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળ - વાયુ રહે. દેશના કેટલાક ભાગોમાં જાન્યુઆરી તા.12 સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ રહે. ઠંડીમાં વધઘટ રહેવાની સંભાવનાઓ પણ છે.