ગુજરાત : દક્ષિણ અમેરિકામાં એક દેશ આવેલો છે સુરીનામ તેના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી પરિવાર અને ડેલિગેશન સાથે ગુજરાતના સોમનાથ ખાતે આદિ જ્યોતિર્લિંગના દર્શને પધાર્યા હતા જ્યાં ટ્રસ્ટી જે. ડી.પરમાર અને યોગેન્દ્ર દેસાઈ દ્વારા ભારતીય અને મંદિરની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય પૂજારી વિજયભાઈ ભટ્ટ અને સાથીઓના વિધિવત મંત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપતિ અને પરિવારએ ગંગાજળથી જ્યોતિર્લિંગનો અભિષેક, સોમેશ્વર મહાપુજન, ધ્વજા પૂજન કર્યું હતું. 

ગત શ્રાવણ માસથી સ્વહસ્તે ધ્વજા રોહણ શરૂ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ એનો પણ લાભ લીધો. ત્યારબાદ પૂજારી વિજયભાઈએ રુદ્રાક્ષની માળા પ્રસાદ સ્વરૂપ આપી હતી. સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જે.ડી.પરમારે વૂડનમાં બનાવેલ સુવર્ણઆર્ટની ભેટ આપી હતી.

રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ જણાવ્યું હતું કે મને મળેલ આદર, સત્કાર, માટે સુરીનામ સરકાર અને નાગરિકો વતી હું આભાર પ્રકટ કરું છું. સોમનાથ મહાદેવની પૂજા અને અર્ચના કર્યા બાદ મારા દેશ સુરીનામ અને નાગરિકોને આશીર્વાદ મળશે એવી આશા સાથે ધન્યવાદ નમસ્તે.