અદ્દભૂત માહોલની મજા માણવા સહેલાણીઓ ઊમટ્યા, આબુની તમામ હોટલો હાઉસફૂલ.

રાજસ્થાનમાં ઠંડીની અસર વધી રહી છે. ઉત્તર ભારતમાંથી આવત્તા બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. વધતી જતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. તો આવા લોકો માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે. માઇનસ ૬ ડીગ્રીથી ગુરૂશિખર પર જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસ અગાઉ વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે આજે તો તાપમાન માઇનસ ૬ ડીંગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.

ઠંડાગાર તાપમાનમાં પણ માઉન્ટ આબુમાં સહેલાણીઓનો ખૂબ મોટી સંખ્યામાં જમાવડો જોવા મળ્યો.

આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. પાણીના કુંડા અને સહેલાણીઓની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. બે અઠવાડિયાંથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી છે. જોકે માઉન્ટ આબુમાં સહેલાણીઓ ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. ચારેબાજુ બરફ જોતાં સહેલાણીઓ એનો આનંદ માણી રહ્યા છે, જ્યારે હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે. છેલ્લા એક-બે અઠવાડિયાથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુનું તાપમા તાપમાન માઇનસમાં નોંધાય છે. ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ આબુ આવતા હોય છે. મહત્ત્વનું છે કે કાશ્મીર-શિમલા જેવા ઠંડા પ્રદેશોમાં ફરવા જવા ગુજરાતીઓને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પણ માઉન્ટ આબુ ગુજરાતની બોર્ડરને અડીને જ આવેલું હોય અહીંયા ઓછા બજેટમાં જ કાશ્મીર-શિમલા જેવો અહેસાસ અને આનંદ ગુજરાતીઓ અહીં માણી શકે છે.