ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસને લઇને અનેક કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ નવા બાયપાસ રોડનું રૂ. 78 કરોડના ખર્ચે કામ હાથ ધરાયું છે. જેનાથી અંબાજીમાં ટ્રાફીકની સમસ્યાને લઇને મોટી રાહત થશે.

ગુજરાતમાં યાત્રાધામોના વિકાસને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ થકી નવા નવા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તમામ જે યાત્રાધામો છે તેમાં યાત્રાઓને કોઇ તકલીફ ન પડે તે માટે સરકાર પૂરતાં પ્રયત્નો કરી રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત મા અંબાના ધામ અંબાજીમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરાયા છે. થોડા મહીનાઓ અગાઉ વડાપ્રધાન દ્વારા પણ અંબાજીમાં વિકાસને લગતી અનેક યોજનાઓ પણ મૂકવામાં આવી હતી. ત્યારે અંબાજીમાં હવે ટ્રાફીકની સમસ્યાથી પરેશાન યાત્રાળુઓ માટે બાયપાસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ખેડબ્રહ્માથી અંબાજી તરફ આવવાના માર્ગથી કુંભારીયા નજીકથી સીધો બાયપાસ આબુરોડ તરફ આપવામાં આવ્યું છે. રૂ. 78 કરોડના ખર્ચે આ બાયપાસ રોડ બનાવવામાં આવશે. બાયપાસ રોડ બનતાં ભારે વાહનો સીધા બાયપાસ રોડ થઇ આબુરોડ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેના કારણે અંબાજીમાં ટ્રાફીક સમસ્યામાં મોટી રાહત મળશે. મા અંબાના ધામમાં લાખો ભક્તો દર્શન માટે આવતાં હોય છે. ત્યારે અંબાજી શહેરમાં ટ્રાફીક સમસ્યાને લઇને તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ હવે બાયપાસ રોડ બનાવવામાં આવશે. ત્યારે અંબાજીમાં યાત્રાળુઓની ટ્રાફીક સમસ્યાથી છૂટકારો મળશે.

અંબાજીમાં સરકાર દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવી રહ્યા છે. 51 શક્તિપીઠ સહીત અંબાજી ચાચર ચોક અને આજુબાજુ વિસ્તાર માટે પણ અનેક નવી યોજનાઓ થકી વિકાસ કરવામાં આવનાર છે. ત્યારે આ બાયપાસ રોડ જેનું પૂરજોશમાં કામ ચાલુ છે. ત્યારે આ રોડ બની જતાં અંબાજીમાં આવતાં યાત્રાઓને ખૂબ મોટો ફાયદો થશે.