પાંચ ના બદલે સાત દિવસનો મેળો કરવા તંત્ર તૈયાર: ટિકિટના ભાવ નહીં વધે

 બપોરે જૂની કલેકટર કચેરીમાં મીટીંગ બાદ ફરી 4:00 વાગે નવેસરથી મીટીંગ

યાંત્રિક રાઈડની હરાજીનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે આજે ફરી કલેક્ટર તંત્ર અને રાઇડ્સના સંચાલકો વચ્ચે જૂની કલેકટર કચેરીમાં મીટીંગ મળી હતી. અત્યંત ઓછી સંખ્યામાં રાઈડ સંચાલકો આ બેઠકમાં હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કલેક્ટર તંત્રએ મેળાના બે દિવસ વધારવા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ ટિકિટમાં દર વધારો આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત જણાવી દીધી હતી.

રાઈડના સંચાલકોએ બે દિવસ અગાઉ મૂકેલી ફોર્મ્યુલાનો આખરે કલેક્ટર તંત્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ મિટિંગમાં એમ જણાવવામાં આવ્યું હતું કે મેળામાં બે દિવસનો વધારો કરવાની જાહેરાત અત્યારે નહીં થાય, પરંતુ રાંધણ છઠના દિવસે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે ત્યારે મંત્રીની હાજરીમાં તેની જાહેરાત કરવામાં આવશે અને આ માટે તંત્ર પર વિશ્વાસ રાખવો જરૂરી છે.

બપોરે 1:00 વાગ્યા આસપાસ મળેલી બેઠકમાં ઓછી સંખ્યામાં રાઈડ સંચાલકો હાજર રહ્યા હતા પરંતુ કલેક્ટર તંત્ર સાથેની મીટીંગ પૂરી થયા પછી તેમની મીટીંગ મળી હતી અને સાંજે 4:00 વાગે કલેક્ટર તંત્રની આ ફોર્મ્યુલા મંજૂર છે કે નહીં તેનો જવાબ આપવા જશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રેસકોર્સના મેદાનમાં પાંચ દિવસ માટે મેળો યોજવામાં આવશે તેવી જાહેરાત અગાઉ તંત્રએ કરી છે અને હવે યાંત્રિક રાઈડના સંચાલકો સાથેની બેઠક બાદ જો બંને પક્ષને મંજુર હશે તો મેળાના દિવસો સાત થઈ જશે.

વિપુલ મકવાણા અમરેલી