પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હોય તે સમયે જંગલી ભૂંડે હુમલો કરી દેતા એક વૃદ્ધ કિસાન નું સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે જ્યારે એક કિસાન ને પગ ઉપર જંગલી ભૂંડ કરડતા સારવાર ચાલી રહી છે. 

          પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે પોતાના ખેતરમાં વાવણી કર્યા બાદ પાણી વાળવા માટે ગોરધનભાઈ સાપભાઈ બારીયા તેમજ તેમનો પુત્ર અને ભાઈ ભુરાભાઈ બારીયા ગયા હતા તે સમયે ભુરાભાઈ ઉપર જંગલી ભૂંડે હુમલો કરતા પગ ઉપર કરડી ગયું હતું. બૂમાબૂમ કરી ખેતરના ઊંચાણવાળા વિસ્તાર પર દોડીને ભુરાભાઈ ભાગી જતાં આબાદ બચાવ થયો હતો. જ્યારે બીજી બાજુ ખેતરમાંથી છુપાયેલું જંગલી ભૂંડ એકા એક બહાર નીકળતા ગોરધનભાઈ સાપભાઈ બારીયા (ઉ. વ. ૫૫ )ને પેટમાં ભયંકર રીતે ભેટી મારતા ગોરધનભાઈ ઉછળીને જમીન ઉપર પટકાયા હતા. પેટમાં ભયંકર રીતે વાગતા પેટમાં સોજો થઈ ગયો હતો. ગોરધનભાઈ ને ખાનગી દવાખાનામાં બતાવી તાત્કાલિક બોડેલી મુકામે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ બીજા દિવસે થોડું સારું લાગતા ગોરધનભાઈ ને દવાઓ ચાલુ રાખી રજા આપવામાં આવી હતી. બીજે દિવસે સવારે ઉઠી દાતણ પાણી કર્યું હતું. પરંતુ પેટમાં ભયંકર વાગવાને કારણે કશું ખાવાતું ન હતું. થોડીક વારમાં જ શરીર ઢીલું પડી જય એકાએક ગોરધનભાઈ ના પ્રાણ પખેરું ઉડી ગયા હતા. જ્યારે ભુરાભાઈ ને પગે કરડવાના કારણે કદવાલ દવાખાનામાં સારવાર ચાલી રહી છે. 

          આમ, જંગલી ભૂંડ ખેતીને તો નુકસાન કરી કિસાનોના પાક નું તો નુકસાન કરે જ છે. જયારે પાવીજેતપુર તાલુકાના રાજપુર ગામે જંગલી ભૂંડનો હુમલો થતાં એક કિસાને જાન ગુમાવી છે. તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી જંગલી ભૂંડોના ત્રાસથી કદવાલ વિસ્તારને મુક્ત કરાવે તેવું કોઈ આયોજન કરે તેમ જનતા ઈચ્છી રહી છે તેમજ મૃતકના પરિવારને કંઈક આર્થિક સહાય થાય તેવું તંત્ર કરે તે જરૂરી છે.