ડીસા તાલુકાના બાઈવાડા ગામે ડિગ્રી વિનાના બોગસ તબીબ દ્વારા લોકોની સારવાર કરાતી હોવાની મુખ્યમંત્રી કાર્યાલયમાં થયેલી ફરિયાદના આધારે ભડથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીએ બાઈવાડા ગામે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન કંઈપણ વસ્તુ વાંધાજનક ન જણાતા હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે આ તપાસના પગલે ડીસા તાલુકામાં બોગસ ડિગ્રીના આધારે ખાનગી હાટીડીઓ ખોલીને બેઠેલા તબીબોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબો એલોપેથી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં થઈ હતી. જે અનુસંધાને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મુહિમ શરૂ કરાઇ છે. ડીસાના બાઈવાડા ગામે પણ દવાખાનું ખોલી એક તબીબ ડિગ્રી ન હોવા છતાં એલોપેથી સારવાર કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી. જેથી જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાને આધારે ભડથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે ટીમ સાથે બાઈવાડા ગામે એક ક્લિનિકમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન તબીબ હાજર મળી આવ્યા હતા. જોકે તેમની પાસેથી કોઈપણ પ્રકારની એલોપેથી દવા મળી આવી ન હતી. જેથી હાલ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ આ તબીબ ડિગ્રી ન હોવા છતાં લોકોનું આરોગ્ય સાથે છેડા કરી રહ્યો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. તેમજ ડીસા તાલુકાના અન્ય ગામોમાં પણ આ રીતે બોગસ તબીબો ઠેર ઠેર હાટડી ખોલીને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. ત્યારે તેમની સામે પણ તપાસ કરવી જોઈએ તેવું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગની આ ઓચિંતી તપાસથી બોગસ ડિગ્રીના આધારે સારવાર કરતા તબીબોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.