પાવીજેતપુર તાલુકાની કંડા અનોખી પ્રાથમિક શાળા : હસતા રમતા શિક્ષણ આપવા એજ્યુકેશન બાગ બનાવ્યો : ઔષધિ બાગ તેમજ કિચન ગાર્ડન બનાવ્યો : અંક વૃક્ષ દ્વારા અંક જ્ઞાન આપવાનો પ્રયાસ.   

  છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલી પાવીજેતપુર તાલુકાની કંડા પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી શાળા છે. આ શાળામાં આદીવાસી બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે શાળાના જ શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગો કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

      કંડા પ્રાથમિક શાળામાં ૧ થી ૮ ધોરણ આવેલા છે જેમાં કુલ ૩૦૩ બાળકો અને ૯ શિક્ષકોનો સ્ટાફ કાર્યરત છે. ઉપરાંત ગામના અને નજીકના વિસ્તારના બાળકો પરિવાર મજૂરી એ જતાં બાળકોના શિક્ષણ પર અસર પડી હતી તેને લઈને શાળા કંપાઉંડમાં જ સીઝનલ હોસ્ટેલ શરૂ કરાઇ છે જેમાં ૫૦ બાળકો રહીને અભ્યાસ કરે છે. આ શાળામાં અનોખી રીતે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે.

બાળકોને હસતાં રમતા શિક્ષણ મળે તે માટે બાગમાં બનાવ્યો : બાગમાં જુદા જુદા આકાર અને અંક લગાવીને ગણિત ભણાવવાનો પ્રયાસ 

    પાવી જેતપુર તાલુકાનાં કંડા ગામે આવેલી પ્રાથમિક શાળા એક અનોખી શાળા જોવા મળી છે.ડુંગરાળ વિસ્તારમાં આવેલી શાળા છે, અહિયાં મોટેભાગે મજૂરીયાત અને ખેડૂત વર્ગના બાળકો જ અભ્યાસ કરવા આવે છે. આ શાળામાં શિક્ષકો દ્વારા અનોખી રીતે શિક્ષણ આપવાની પ્રવૃત્તી કરવામાં આવી રહી છે. જેમાં બાળકોને હરતા, ફરતા, રમતા અને કુદતા શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કંડા પ્રાથમિક શાળામાં બાગ બનાવવામાં આવ્યો છે જેમાં ગણીતના આકાર, ગોળ, લંબગોળ, તેમજ ત્રિકોણ વગેરે માટે આકાર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અંકોનું શિક્ષણ મળી રહે તે માટે રેમ્પની ઉપર અંક લખીને લટકાવવામાં આવ્યા છે જેના આધારે બાળકો અઁકને ઓળખીને શીખી શકે, આ ઉપરાંત અંગ્રેજી મહિનાના નામ પણ આ રીતે જ લખીને બાળકોને તેના વિષે શીખવવામાં આવી રહ્યું છે.

દરેક વસ્તુનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે કાયમી ડેમોસ્ટ્રેશન ગોઠવાયું : સુરક્ષાના સાધનોથી સજ્જ શાળા 

   કંડા પ્રાથમિક શાળામાં બાળકોને રસપ્રદ રીતે શીખવવામાં આવી રહયું છે. શાળામાં દરેક વસ્તુનું પ્રેક્ટિકલ કરીને શિક્ષણ આપવા માટે કેટલાક પ્રયોગો બનાવીને શાળામાં મૂકવામાં આવ્યા છે. જેમાં મહત્વનુ કહી શકાય તેવું ટપક સિંચાઇ પધ્ધતીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને મૂકવામાં આવ્યા છે. સાથે સાથે બાળકોને પાણીનું મહત્વ સમાજાય તે માટે અને વેડફાતા પાણીનો કેવી રીતે ઉપયોગ થાય તે માટે ટાંકીનું પાણી ઓવરફલો થતાં પાણી વેડફાઇ ન જાય તે માટે એક પાઇપ દ્વારા આ પાણી શાળાના બગીચામાં જ વપરાય તેવી વ્યવસ્થા રાખવામા આવી છે. એવી જ રીતે શાળામાં દરેક બાળક અને શિક્ષકની સુરક્ષા માટે સીસીટીવી, ફાયર સેફ્ટીના સાધનો અને શુધ્ધ પાણી માટે આર.ઓ.પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યા છે. 

આદીવાસી બાળકોને પ્રજ્ઞા પ્રોજેકટ અને જ્ઞાનકુંજ પ્રોજેકટ દ્વારા વ્યક્તિગત અને ડીજીટલ શિક્ષણ અપાય છે.

      કંડા પ્રાથમિક શાળામાં આદીવાસી બાળકો અભ્યાસ કરે છે તેઓને શાળામાં પ્રજ્ઞા પ્રોજેકટ અંતર્ગત દરેક વિધ્યાર્થીને વ્યક્તિગત રીતે શિક્ષક શિક્ષણ આપવાનું કામ કરે છે અને બાળકને અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન પણ વ્યક્તિગત રીતે આપવામાં આવી રહયું છે. પ્રાથમિક શાળાના બાળકોને ડીજીટલ શિક્ષણ મળે તે માટે જ્ઞાન કુંજ પ્રોજેકટ હેઠળ પ્રોજેક્ટર લગાવીને ડીજીટલ બોર્ડ ઉપર પાઠ્યપુસ્તકના પાઠનું શિક્ષણ તેમજ તે પાઠના વિડીયો બતાવીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કિચન ગાર્ડન અને ઔષધ બાગ બનાવ્યો 

     શાળાના શિક્ષકો દ્વારા શાળા કંપાઉંડમાં કિચન ગાર્ડન તેમજ ઔષધી બાગ બનાવવામાં આવ્યો છે જેમાં દરરોજ ઉપયોગમાં આવતી ઔષધિઓનું વાવેતર કરવામાં આવ્યું છે, અને આ ઔષધી બાગમાં વાવેલી ઔષધીઓનું મહત્વ બાળકોને પ્રત્યક્ષ રૂપે બતાવીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને કિચન ગાર્ડનમાં ઉગાડેલી શાકભાજી બાળકોને દરરોજના ભોજનમાં બનાવીને પીરસવામાં આવી રહી છે.

ચકલી બચાવો અભીયાન હેઠળ જતન માટેના પ્રયત્નો 

    હાલમાં કેટલાક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે ત્યારે આવા પક્ષીઓમાં ચકલી માટે પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ચકલીઓ માળો બનાવીને રહે છે અને તેનું જતન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રયત્ન કરવા છતાય હાલમાં ચકલી કોઈક જ દીવસ આ માળામાં આવે છે.

હરતા ફરતા રમતા હળવી કસરતો માટે બાગમાં જ સાધનો મુકાયા 

      શાળાના બગીચામાં બાળકોને હરતા ફરતા કસરત કરવા માટે કેટલાક કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા રમવા સાથે કસરત પણ કરી શકે તેવી સુવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં મેડિકલ કીટ તેમજ નાના ઓજારો પણ રાખવામા આવ્યા છે જેના દ્વારા બાળકોને સામાન્ય જ્ઞાન અને રોજિંદા ઉપયોગમાં આવતા સાધનોનું મહત્વ પણ ખબર પડી શકે તે માટેની વ્યવસ્થા રાખવામા આવી છે.

ગ્રામ પંચાયતના સહયોગથી આર્થિક સહાય 

    કંડા પ્રાથમિક શાળામાં આટલી બધી સુવિધાઓ ઊભી કરવામાં સમગ્ર સ્ટાફ ખૂબ મહેનત કરી રહ્યો છે ત્યારે કેટલીકવાર આર્થિક જરૂરીયાતો પણ ઊભી થતી હોય છે ત્યારે ગામના સરપંચ ગ્રામ પંચાયત વતી ખડેપગે સેવાઓ આપી રહ્યા છે અને શાળાની દરેક જરૂરીયાતો પૂરી કરવામાં મદદરૂપ બની રહયા છે. 

અન્ય શાળા માટે પ્રેરણારૂપ કંડા પ્રાથમિક શાળા 

   પાવી જેતપુર તાલુકાનાં ખૂબ જ અંતરીયાળ વિસ્તારના કુદરતી સંપદા વચ્ચે આવેલી કંડા પ્રાથમિક શાળા શિક્ષણ અને ઘડતર માટેના અનોખા અભીગમને લઈને દરેક રીતે બાળકોને તથા અન્ય શાળાને પ્રેરણારૂપ બની છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓ આ અભીગમ અપનાવે તો શિક્ષણ જગતમાં એક નવા પ્રકારનું રસપ્રદ રીતે શિક્ષણ બાળકોને મળી શકે.