છોટાઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન પાવીજેતપુર સુખી જળાશય યોજના ના અનગઢ વહીવટને કારણે ખેડૂતો માટે અભિશાપ બની ગઈ છે.અને કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.

      છોટાઉદેપુર જીલ્લાની સૌથી મોટી સીંચાઈ યોજના સુખી જળાશય યોજના પાવીજેતપુર તાલુકાનાં ખેડૂતો માટે એક તરફ આશીર્વાદરૂપ છે ત્યારે બીજી બાજુ અભીશાપરૂપ બની ગઈ છે. સુખી જળાશય યોજનાની જબુગામ માઇનોર કેનાલના પાણી તાલુકાનાં સુસ્કાલ સુધી પહોચે છે, ત્યારે સુખી જળાશય યોજનાના અધીકારીઓ કેનાલનું રીપેરીંગ કામ યોગ્ય રીતે ન કરાવતા કેનાલમાં ઝાડી ઝાંખરાં ઉઘી નીકળે છે. અને આ ઝાડીઓ સાફ કરાવ્યા વિના જ કેનાલમાં ખેડૂતોને સીંચાઈ માટે પાણી આપતા કેનાલમાથી પાણી ઓવર ટોપિંગ થઈને કેનાલની બાજુના ખેતરોમાં ફરી વળે છે.

      સુખી જળાશય યોજનાની કેનાલ યોગ્ય રીતે સાફ ન થતા સુસ્કાલ ગામની સીમમાં કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા, આ પાણી ખેતરોમાં ઘૂસી જતાં ગરીબ આદીવાસી ખેડૂતોએ ડાંગર વેચીને મકાઈનું બિયારણ લાવ્યા હતા તે પણ બરબાદ થઈ ગયું હતું, અને ખેતર જાણે તળાવમાં ફેરવાઇ ગયા હતા. ગરીબ આદીવાસી ખેડૂત પોતાના પરિવારને ખાવા માટે મોટે ભાગે મકાઈનું વાવેતર કરતો હોય છે પરંતુ સુખી જળાશય યોજનાના અધીકારીઓના અનગઢ વહીવટના કારણે કેનાલના પાણી ખેતરમાં ઘૂસી જતાં ખેડૂત પોતાના પરિવારનું પેટ કેવી રીતે ભરશે ? તે એક મોટો સવાલ ઊભો થયો છે.

         હાલ તો સુસ્કાલના ખેડૂતોને તો કેનાલના પાણી ખેતરોમાં ભરાતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, પરંતુ સુખી જલાશય યોજનાના અધીકારીઓ કેનાલની સફાઈ યોગ્ય રીતે કરાવે અને ખેડૂતોને સીંચાઈ માટે જરૂરી પાણી પૂરું પાડે તેવી માંગ કરી રહ્યા છે.