ડીસા ના રામપુરા ગામે પોલીસ ના વિશાળ કાફલા સાથે 300 વીઘા જમીન ખુલ્લી કરાઈ.. 

(બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા) 

ડીસા તાલુકાના રામપુરા દામા ગામે ગામના મુખ્ય રસ્તાઓ તેમજ બસ સ્ટેશન ઉપર થયેલા વર્ષો જુના પાકા દબાણો તેમજ ગામતળ અને ગૌચરની જમીનમાં થયેલા દબાણો હટાવવાની આજ સુધી કોઈપણ ગામમાં ન થઇ હોય તેવી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

જેમાં 6 જેટલા જેસીબી લગાવી પોલીસના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે મોટાપાયે શોપિંગ સેન્ટરો સહિત પાક્કા દબાણો તોડી 300 વીઘા જમીન ખુલ્લી કરાઈ હતી.. 

ખુલ્લી કરાયેલી જગ્યામાં ગ્રામજનો માટે વિશાળ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી તેમજ જાહેર શૌચાલયની વ્યવસ્થા કરાશે તેમ સરપંચે જણાવ્યું હતું.

પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દુર કરાયા.. 

ડીસાના રામપુરા દામા ગામે ગામના હાઇવે પર બસ સ્ટેશનથી લઈ ગામના મુખ્ય માર્ગ પર અનેક દુકાનો અને શોપિંગ સેન્ટર ગેરકાયદેસર રીતે દબાણમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામતળ અને ગૌચરની જમીનમાં પણ ખમતીધર લોકોએ ફેન્સીંગ કરી જમીન પચાવી પાડી હતી..

ત્યારે ગામના ઉત્સાહી સરપંચ ગણપત ભિલડીયા દ્વારા આ દબાણો ખુલ્લા કરાવવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં યોગ્ય રીતે રજૂઆત કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ તોડવાની મંજૂરી આપવામાં આવી હતી.

પાક્કા દબાણો, શોપિંગ સેન્ટરો, દુકાનો જમીનદોસ્ત

જેથી જિલ્લા અને તાલુકા પંચાયતની ટીમો દ્વારા છ જેટલા જેસીબી મશીન તેમજ ભીલડી પોલીસ મથકના વિશાળ કાફલાના બંદોબસ્ત સાથે રામપુરા ગામે દબાણ હટાવ ઝુંબેશ ધરવામાં આવી હતી. જેમાં આજ સુધી બનાસકાંઠામાં કોઈપણ ગામમાં ન તોડ્યા હોય તે રીતે પાક્કા દબાણો, શોપિંગ સેન્ટરો, દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી અને મુખ્ય માર્ગ તેમજ બસ સ્ટેશન વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો..

આ ઉપરાંત ગામતળ અને ગૌચરની જગ્યાઓમાં પણ ગામના કહેવાતા કેટલાક સુખી લોકોએ જ ફેન્સીંગ કરી જમીન પચાવી પાડી હતી. જે જમીન પણ ખુલ્લી કરી પંચાયત હસ્તક કરવામાં આવી હતી.. 

ભરતી ઉપયોગી વિશાળ ગ્રાઉન્ડ બનાવાશે.. 

આ અંગે ગામના સરપંચ ગણપત ભિલડીયાએ જણાવ્યું હતું કે, ગામમાં કુલ 300 વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થયા હતા. જેમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાક્કા દબાણો ગામના મુખ્ય રસ્તા પરના દબાણો તેમજ ગામતળ અને ગૌચરની જગ્યાઓના દબાણ ખુલ્લા કરવામાં આવ્યા છે..

આ જગ્યા પર ગામના સાર્વજનિક હેતુ માટે બસ સ્ટેશન, શૌચાલય, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય તેમજ રમતગમત અને પોલીસ અને આર્મી જેવી ભરતી માટે ઉપયોગી થાય તેવું વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે..