ગાંધીધામ,શહેરનાં કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ પરિણીતાને પકડી રાખી તેને સળગાવી દઇને હત્યા કરાયાના પ્રકરણમાં અહીંની કોર્ટે આજીવન સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. 

આવા આદેશથી આવાં તત્ત્વોમાં ફફડાટ પ્રસર્યો હતો.શહેરના કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં રહેતા સંજય ચોકીન નટ અને તેમના પત્ની તેજલબેન (ઉ.વ. 30) ઉપર આ હુમલો થયો હતો. ગત તા. 6-1-2021ના તેઓ ઘર પાસે હતા ત્યારે વિનોદ ચોકી નટ, હિતેશ વિનોદ નટ, અફસાના હિતેષ નટ, પેપાબેન પ્રકાશ નટ, કિશન મેમર ઉર્ફે મહેન્દ્ર નટ તથા પ્રકાશ મેમર ઉર્ફે મહેન્દ્ર નટે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આ દંપતીને મારી નાખવાના ઇરાદે તેમના ઉપર હુમલો કર્યો હતો.

વિનોદ અને હિતેષે ફરિયાદી સંજય નટને પકડી રાખ્યો હતો જ્યારે અફસાના અને પેપાબેને તેજલબેનને પકડી રાખ્યા હતા. દરમ્યાન પ્રકાશ મેમરે કેરોસીનનું ડબલું ખોલી તેજલબેન ઉપર છાંટયું હતું અને કિશને તેજલબેનને દિવાસળી ચાંપી દીધી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાને સારવાર અર્થે લઇ જવાયા હતા અને તા. 6-1નાં હત્યાની કોશિશની કલમો તળે ગુનો નોંધાયો હતો. બાદમાં ગત તા. 12-1-2021નાં આ મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ અફસાના નટ અને પેપાબેન નટ હજુ પણ પોલીસની પકડથી નાસતા ફરે છે.

 આ બનાવમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસ અહીંની અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. આ કેસમાં ન્યાયાધીશ એમ. જે. પરાસરે બંને પક્ષની દલીલો, પુરાવા ચકાસ્યા હતા.

 બાદમાં સરકાર તરફના સાહેદો, દસ્તાવેજી આધારો અને મેડિકલ પુરાવાઓ ગ્રાહ્ય રાખીને આ આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. વિનોદ નટ, હિતેષ નટ, કિશન, પ્રકાશ નટને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમજ રૂા. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો આદેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજાએ ઉપસ્થિત રહી તર્કબદ્ધ રીતે દલીલો રજૂ કરી હતી.