પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર શુક્રવારે એક મહિલાના પતિને ફિલ્ડ ઓફિસરની જગ્યાએ નોકરી રાખવા બદલ રૂ. 45,000 ની લાંચ લેતા એસીબીની ટીમના હાથે ઝડપાઇ ગઇ હતી. બનાસકાંઠા જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને મહિલા મેનેજરે આ જગ્યા ઉપર કરાર આધારિત ભરતી કરવા માટે મહિલાના પતિ પાસેથી ત્રણ પગારના એડવાન્સ રૂ. 45,000 નક્કી કર્યા હતા.
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં એક મહિલાએ તેમના પતિને ફિલ્ડ ઓફિસરની કરાર આધારિત જગ્યા ઉપર ભરતી કરવા માટે અરજી કરી હતી. જોકે, જોરાવર પેલેસના સેવાસદન 2 માં આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી (વર્ગ - 2) નરેશભાઈ વીરાભાઇ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મેનેજર આશાબેન પરેશકુમાર નાયકે મહિલાના પતિને કરાર આધારિત નોકરીએ રાખવા બદલ ત્રણ માસના રૂપિયા 45,000 પગારની રકમની લાંચની માંગણી કરી હતી. મહિલાએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પી.આઇ. નિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ કેન્દ્રમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં મેનેજર આશાબેન નાયક રૂ. 45,000ની લાંચ લેતાં ઝડપાઇ ગઇ હતી. સેવા સદન-2 ની ઓફિસમાંથી જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ મેણાતની પણ અટકાયત કરાઈ હતી. બંનેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રની મેનેજર આશા નાયક કચેરીના 10 અને જિલ્લાના 40 કરાર આધારિત કર્મચારીઓને ત્રણ પગારના રૂ. 45,000 નહીં આપો તો છુટા કરી દેવાની ધમકી આપતા હતા. અને તેમની જગ્યાએ નવા કર્મચારી પાસેથી પણ ત્રણ પગારની રકમ હડપ કરી રૂ. 22.50 લાખનું કૌભાંડ આચરવાનું હોવાનું પણ સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, તેમનો મનસૂબો પાર પડે તે પહેલા એસીબીની ટીમે બંનેને ઝડપી લીધા હતા.
નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડીત મહિલાઓ રહે છે. જ્યાં પુરૂષોના પ્રવેશ ઉપર પાબંધી હોવાથી એસીબીની ટીમના મહિલા કર્મચારીઓને પહેલા અંદર મોકલી દેવાયા હતા. જે પછી ટીમ ગઇ હતી. મેનેજર આશા નાયક લાંચની રકમ સ્વીકારી પર્સમાં મૂકી હતી. જોકે, એસીબીની ટ્રેપ હોવાની શંકા જતાં પર્સ ફેંકી દીધુ હતુ. અને તે પોતાનું ન હોવાનું રટણ કર્યું હતું. જોકે, આખરે લાંચ લીધી હોવાનું સ્વીકારી લીધું હતું.