ભચાઉ અને વોંધના ચેરિયા વિસ્તારમાં વન અધિકાર કાયદો 2006 અને એનજીટીના ચુકાદાના ઉલ્લંઘન અંગે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટપાલકો પાસે રહેલ ઊંટની બે નસલ ખારાઇ અને કચ્છી ઊંટોના સંરક્ષણ, ચરિયાણ અને આજીવિકા અંગે વર્ષ 2011થી કાર્યરત છે. ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે, ભચાઉ અને વોંધના સીમાડા નજીક આવેલ હડકિયા ક્રીક એ ગીચ ચેરિયાંનાં જંગલોનો વિસ્તાર છે, જેના પર આશરે 400 ખારાઇ ઊંટ અને પાલકો ચરિયાણ તેમજ તેમની આજીવિકા અર્થે પૂર્ણ રૂપે આધારિત છે, પરંતુ આ ક્રીક પાસે આવેલ નાની બેટી, ગુલાબશા પીર દરગાહનો પશ્ચિમ વિસ્તાર, જેમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મીઠાંનાં કારખાનાંના માલિકો દ્વારા આ ગીચ ચેરિયાંનાં જંગલોનું ઝડપી નિકંદન થઇ રહ્યું છે. આ બાબતે વર્ષ 2018થી વખતો વખત સંગઠન દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ હતી. જેને પગલે' આપે વનસંરક્ષકને પત્ર લખેલ અને ત્યારબાદ એ દબાણકારો 15 દિવસ માટે એ કામ મૂકીને ભાગી છૂટયા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી તે જ સ્થળે ચેરિયાંનું નિકંદન કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જો સત્વરે જરૂરી અને સચોટ કાયદાકીય પગલાંઓ નહીં લેવાય તો થોડા જ સમયમાં ચેરિયાં, દરિયાઇ જીવો અને ખારાઇ ઊંટોનું અસ્તિત્વ હંમેશાં માટે ખોરવાઇ જશે. આ ઉપરાંત આપની આગેવાની હેઠળ જીસીઝેડએમએ, ડીઆઇએલઆર, દીનદયાળ પોર્ટ તથા કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની એક સંયુકત મિટિંગ બોલાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.