કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા માટેનાં ફોર્મ ભરાઇ રહ્યાં છે ત્યારે કેટલાક શિક્ષણ જાણકારો દ્વારા હવે યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના નિયમો બદલાઇ ચૂક્યા હોવાથી 2018ના ધારાધોરણ પ્રમાણે જ પરીક્ષા અને ડિગ્રીના નિયમોને બદલે નવા 2022ના ધોરણો પ્રમાણે જ અમલ પર ભાર મુકાયો હતો, કે જેથી ભવિષ્યમાં ડોક્ટરેટ મેળવનારને કોઇ પ્રશ્નનો સામનો ન કરવો પડે. 

જો કે, આ સંબંધે યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ મોટી યુનિવર્સિટીના નિયમો ચકાસીને પરીક્ષા લેવાઇ રહી છે. આ સવાલ પાયા વિનાનો છે. આ જાણકાર વર્તુળોના દાવા મુજબ અરજીમાં પીએચ.ડી.ના લઘુતમ ધોરણો માટેના 2016ના માપદંડ અનુસાર એવું દર્શાવાયું છે, જ્યારે નવેમ્બર-2022માં નવું ગેઝેટ બહાર પડયું હતું.' નવા નિયમ અનુસાર ગાઇડ કાયમી ફેકલ્ટી હોવા જોઇએ અને પ્રોફેસર કે આસિ. પ્રોફેસર તરીકે માન્ય પીજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવા જોઇએ. કચ્છમાં તોલાણી અને લાલન સિવાય યુજી અને ખાનગી કોલેજો છે, જેમાં પીજી ડિપાર્ટમેન્ટ નથી. વળી, કમસેકમ પ્રિ-રિવ્યૂડ કે રિફર્ડ જર્નલમાં પાંચ પબ્લિકેશન હોવા જોઇએ. 

માન્ય સંશોધનકાર અન્ય સંસ્થામાં રિસર્ચ સ્કોલર તરીકે સુપરવિઝન કરતો ન હોવો જોઇએ. જો પીજી સેનેટ કે પીજી વિભાગ વિનાના અધ્યાપકો હેઠળ કોઇ પીએચ.ડી. થાય તો ભવિષ્યમાં ડિગ્રીની માન્યતા કે આખરી ઇન્ટરવ્યૂ સમયે પ્રશ્નો ખડા થઇ શકે છે. જો કે, આ સંદર્ભે હકીકત જાણવા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી બુટાણીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, આ પરીક્ષા અગાઉ 2021માં લેવાની હતી જે રદ થઇ અને હવે લેવાઇ રહી છે, એમાં જૂના નિયમો લાગુ છે. બીજું, એ સમયગાળા પછી કોઇ નવી ગાઇડશિપ નથી અપાઇ. ગુજરાતની ટોચની યુનિવર્સિટીઓમાં પીજી કોલેજ વિના પણ સિનિયર પ્રાધ્યાપકો ગાઇડ તરીકે કામ કરે જ છે. મોટેભાગે પીજી વિભાગ યુનિવર્સિટીમાં જ છે, જે વાત કરવામાં આવે છે એ જૂનો નિયમ હતો. 

કચ્છમાં જેમને ગાઇડ તરીકે માન્યતા અપાઇ એ બધા અગાઉથી જ માન્યતા પ્રાપ્ત છે, કોઇ નવા નથી નિમાયા. છતાં જે કોઇ અધૂરાશ હશે તો ઇસીની માન્યતા લેવાશે, યુનિવર્સિટી ક્યારેય વિદ્યાર્થી હિતના કાર્યમાં કચાશ ન રાખે.