ભુજ, ગુજરાતી રંગભૂમિની જાણીતી ભવન્સ કલ્ચરલ ક્લબ અંધેરી દ્વારા આયોજિત 15મો નાટય સ્પર્ધા મહોત્સવ `એલ.એલ.ડી.સી. નાટય સ્પર્ધા-2023'નો ભુજ ખાતે મંગળવાર તા. 3જી જાન્યુઆરીથી દબદબાભેર આરંભ થઇ રહ્યો છે જેમાં ગુજરાતના વિવિધ શહેરોના શ્રેષ્ઠ નાટકો માણવા મળશે. મહોત્સવ 7મી જાન્યુ. સુધી ચાલશે.

 શ્રૃજન એલ.એલ.ડી.સી. પ્રાયોજિત આ સ્પર્ધાનો આરંભ શહેરના ટાઉનહોલ ખાતે મંગળવારે રાત્રે સવા આઠ વાગ્યાથી પ્રથમ નાટક `િદગ્દર્શક'થી થઇ રહ્યો છે. આ નાટક સુરતના વૈશાલી ગ્રુપનું છે. નાટકના લેખક પ્રિયમ જાની છે જ્યારે નાટકનું દિગ્દર્શન ચેતન પટેલે કર્યું છે. સમગ્ર મહોત્સવના મીડિયા પાર્ટનર તરીકે કચ્છમિત્ર જન્મભૂમિ ગ્રુપ છે. તમામ નાટકો ભુજના ટાઉનહોલમાં પોણા નવ વાગ્યાથી શરૂ થશે. 

સ્થાનિક સંયોજક પંકજ ઝાલાએ આપેલી વિગતો મુજબ મહોત્સવનું બીજું નાટક `મન મગન હુઆ' તા. 4થીના રજૂ થશે જે અમદાવાદના વિક્રમ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટસ ગ્રુપનું છે જેના લેખક સતીષ વ્યાસ છે જ્યારે દિગ્દર્શન ડો. વિક્રમ પંચાલ તથા શૌનક વ્યાસનું છે. તા. 5મીના `સૂરજને પડછાયો હોય' એ નાટકનું મંચન થશે. શિવમ ફાઉન્ડેશન રાજકોટના નાટકના લેખક રમેશ પારેખ છે અને દિગ્દર્શક ગૌતમ દવે છે. શુક્રવાર તા. 6ઠ્ઠીના નાટય મહોત્સવનું ચોથું નાટક `ભૂમિકા' ભજવાશે જે આર્ટિસ્ટ હ્યુમન્સ ગ્રુપ મુંબઇનું છે જેના લેખક તથા દિગ્દર્શક દર્શન મહાજન છે. 

ભુજમાં ભજવાનારી નાટય સ્પર્ધાનું અંતિમ નાટક તા. 7મી જાન્યુઆરી શનિવારના રજૂ થશે. `સંબંધોની આરપાર અંધશ્રદ્ધાની વાડ' એ નાટક અખ્તર સૈયદ ગાંધીનગરનું છે જેનું લેખક આશિષ ઠક્કરનું છે અને દિગ્દર્શન અખ્તર સૈયદનું છે. આમ, સમગ્ર સપ્તાહ દરમ્યાન ભુજ શહેરની નાટયપ્રેમી જનતાને ખૂબ લાંબા સમય પછી નાટયોની હારમાળા માણવાનો અવસર ઘરઆંગણે માણવા મળશે. વિશેષ કચ્છમિત્રના વાચકો માટે નાટકો માણવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છમિત્રના અંકમાં પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતનું કટિંગ લાવનારને વ્યક્તિદીઠ બે નાટકના બબ્બે પાસ વહેલાં તે પહેલાંના ધોરણે આપવામાં આવશે. તમામ નાટકો સમયસર શરૂ થશે. ભુજ શહેરમાં મંચન કરાનારા પંચરંગી નાટકોના પંચામૃતને માણવા શ્રૃજન એલ.એલ.ડી.સી.ના ચેરમેન દિપેશભાઇ શ્રોફ તથા ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના લલિત?શાહ તથા પ્રવીણ સોલંકીએ જાહેર જનતાને ઇજન આપ્યું છે.