કોરોનાની કરોડરજ્જુ ભાંગવા સજ્જ વેરાવળ સિવિલ હોસ્પિટલ, કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રીલ
--------
કલેક્ટર શ્રીએ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિત કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતોનું કર્યું નિરિક્ષણ
--------
કોરોના અંગે અફવા ન ફેલાવવા અને સાવચેતી રાખવા લોકોને કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહિલની અપીલ
--------
ગીર સોમનાથ, તા.૨૭: કોવિડ સામે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઈ હતી. હાલ વિશ્વમાં કોરોના મહામારી પ્રવર્તી રહી છે જેની શક્યતઃ અસર થઈ શકે. જેથી પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર શ્રીએ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર્સ, દવાઓ વગેરે જેવી કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતોનું જાત નીરિક્ષણ કરી વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં.
કલેક્ટર શ્રીએ સિવિલ સુપ્રિટેન્ડન્ટ શ્રી જિજ્ઞેશભાઈ પરમાર તેમજ ડૉ.બાલુરામ સાથે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ કોવિડ આનુસાંગીક યોગ્ય વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે ત્રીજો માળ સંપૂર્ણ રીતે કોવિડને અનુલક્ષીને સજ્જ કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટીલેટર્સ અને અન્ય સુવિધાઓ સહિત ૭૫ કરતાં વધુ બેડની વ્યવસ્થા છે. ઉપરાંત હોસ્પિટલ ખાતે ૧૦૦૦ LPM, ૭૫૦ LPM અને ૫૦૦ LPM એમ ત્રણ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલું છે.
કલેક્ટર શ્રીએ કોવિડને અનુલક્ષીને હોસ્પિટલમાં આરોગ્ય અને તબીબી સેવાઓની સજ્જતાની ચકાસણી કરી હતી અને આગામી સમયમાં ફરી કોવિડની સ્થિતિ સર્જાય તો દર્દીઓની સંપૂર્ણ સારવાર થઈ શકે તેવું આયોજન કરી લોકોને પણ સતર્કતા દાખવવા તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય અને જરૂર વગર બહાર ન નીકળે તેમજ ભીડથી બચવા અપીલ કરી હતી.