ડીસા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સખી મંડળોને દબાણના મુદ્દે નોટીસ ફટકારવામાં આવી છે. અન્ય દબાણ કરીને બેઠેલા લોકોને નોટીસ આપવાને બદલે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર બેઠેલા સખી મંડળને નોટીસ આપતાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકારે 2014 માં મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની બહેનો પગભર થાય તે હેતુથી સરકારી કચેરીઓ પાસેની જમીનમાં કોમ્પ્યુટરાઇઝ આવક જાતિના દાખલા, યોજનાકીય અરજી ફોર્મ, ઝેરોક્ષ અને મશીન ફાળવવા માટે જાહેરાત પાડી હતી.તે અંતર્ગત ડીસા તાલુકા પંચાયતમાં 2015 ના વર્ષમાં સખી મંડળોએ રોજગારી માટે જીલ્લા ગ્રામ એજન્સી નિયામક આદેશ મુજબ ડીસા તાલુકા વિકાસ અધિકારીએ મંજૂરી આપી હતી.જોકે, સખી મંડળોને ફાળવાયેલ જમીનની બાજુમાં અન્ય કેટલાંક લોકો તેની આડમાં ચા-નાસ્તાના ગલ્લાઓ અને અરજીઓ લખવાના બહાને અડીંગો જમાવી બેઠા છે.ગેરકાયદેસર રીતે બેઠેલા દબાણદારોને હટાવવાને બદલે તાલુકા વિકાસ અધિકારીએ સખી મંડળોને નોટીસ આપતાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.જેમાં શ્રદ્ધા સખી મંડળ, હિંગળાજ સખી મંડળ, આદર્શ સખી મંડળ અને દેવલ સખી મંડળને નોટીસ આપી 48 કલાકમાં ખુલાસો કરવા અન્યથા દબાણ ગણી દૂર કરવાની ચિમકી આપી હતી.
જોકે, નોટીસ મળતાં જ સખી મંડળની બહેનો દોડતી થઇ હતી અને કાયદેસર હોવા છતાં નોટીસ મળતાં સખી મંડળ સંચાલક બહેનોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.અગાઉ તા. 23 ડિસેમ્બરના રોજ દબાણો દૂર કરવા તાલુકા પંચાયત બોર્ડમાં ચર્ચા થઇ હતી. જેમાં કેટલાંક ચૂંટાયેલા બોર્ડના સદસ્યોએ વિરોધ કરતાં દબાણો દૂર ન કરવા ઠરાવ થયો હતો. જોકે, દબાણો બાબતે તાલુકા વિકાસ અધિકારીને સત્તા હોવા છતાં બોર્ડમાં મુદ્દો લઇને દબાણ દૂર ન કરવા બોર્ડના સભ્યોનો સહારો લીધો હતો. ત્યારે હવે દબાણદારોની જગ્યાએ સખી મંડળને નોટીસ આપી કનડગત શરૂ કરી હોવાનું સખી મંડળોનું માનવું છે.