ડીસા તાલુકાના સમૌ-સાવિયાણા રોડ પર મોડી સાંજે 2 બાઇકો સામસામે ટકરાતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. જયારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સમૌ-સાવિયાણા રોડ પર મોડી સાંજે પૂરપાટઝડપે આવી રહેલા 2 બાઇક સામસામે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઇક પર સવાર લોકો રોડ પર પટકાયા હતા. જેમાં ડીસાના ઝાબડીયા ગામના ધીરસિંહ સોલંકી રોડ પર પટકાતાં અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માત અંગે જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
 
  
  
  
  