નારી વંદન ઉત્સવ અંતર્ગત ભુજ ખાતે રાજયકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી
ભુજ: નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ ભુજ ખાતે રાજયકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ રાજયમંત્રીશ્રી કીર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમકાર્ય પ્રદાન કરનાર ૨૯ કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રીશ્રીએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે જેના કારણે મહિલા સશક્તિકરણ વધુ વેગવાન બન્યું છે. તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇને રાજયના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ કાર્યક્રમમાં હાજર મહિલાઓને ઉદેશીને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા શક્તિને વધુ મજબુત બનાવવા રાજયમાં અનેક યોજનાઓ અમલી કરી હતી જેના પરીણામ સ્વરૂપ રાજયની મહિલાઓ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢીને સમાજ, રાજય અને દેશનું નામ રોશન કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ રાજયમાં જનઆંદોલન ચલાવીને દિકરીઓને જન્મનો અધિકાર અપાવ્યો છે. સમાજમાં દિકરી જન્મની પીડા અનુભવતા લોકોમાં જાગૃતતા લાવી છે. જેના કારણે જ દિકરીનો જન્મ રેશિયો વધ્યો છે. મહિલાઓને દૈવીશક્તિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ભારતની સંસ્કૃતિમાં શિવ-શક્તિની પૂજા એકસાથે થાય છે. આપણે દૈવીઓની ખાસ પૂજા કરીએ છીએ. ઇતિહાસ ગવાહ છે કે, જયારે વિશ્વમાં આસુરી શક્તિમાં વૃધ્ધિમાં થઇ છે ત્યારે તેના સંહાર માટે દેવીનું અવતરણ થયું છે.
આજના વર્તમાન સમયમાં વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી બંને મહિલા સશક્તિકરણ કરવા સક્રીયતાથી કામ કરી રહ્યા છે ત્યારે તેમણે દિકરીઓને વધુમાં વધુ શિક્ષણ લેવા પર ભાર મુકયો હતો. તેમજ માતાઓને દિકરીને શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. એક દિકરી બે ઘર તારે એવું જણાવતા તેમણે કહ્યું હતું કે, રાજય અને દેશને મજબુત અને પ્રગતિશીલ કરવા હશે તો સ્ત્રીશિક્ષણ અનિવાર્ય છે. તેમણે ભારતના નવનિયુકત માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂને લોકતંત્ર અને મહિલા શક્તિનું ઉદાહરણ ગણાવીને મહિલાઓને સક્રીયપણે વિવિધ ક્ષેત્રે ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. તેમણે વિવિધ પરીક્ષાઓમાં ઉચ્ચક્રમાંક મેળવીને શિક્ષણની તાકાત બતાવતી દિકરીઓને બિરદાવી હતી.
આ તકે તેમણે જણાવ્યું હતું કે, સરકારે માતૃશક્તિ માત્ર ઘર સુધી સીમિત ન રહે પરંતુ સમાજનું નેતૃત્વ કરે તે માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત કરી છે જેના કારણે છેવાડાના ગામથી લઇને પાલિકા સ્તર સુધી મહિલાઓ લીડરશીપ કરી રહી છે. તેમણે દિકરીઓને સાપનો ભારો ન ગણીને તેને શિક્ષણ અપાવી આગળ વધવા વાલીઓ પ્રોત્સાહિત કરે તેવી જનઅપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી મહિલાઓમાં રહેલી અપારશકિતને બહાર લાવવા તથા મહિલાઓ પગભર બને તે માટે સતત પ્રયત્નશીલ છે. તે માટે વિવિધ અભિયાન સાથે યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યું છે. ત્યારે મહિલાઓ પણ પોતાના કૌશલ્યને પારખીને તેને બહાર લાવી સ્વાવલંબી બની વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરે. તેમણે સમગ્ર દેશના વિકાસ માટે પ્રથમ મહિલાઓનો વિકાસ જરૂરી હોવાનું જણાવીને ભાવિપેઢીની તંદુરસ્તી માટે કિશોરીઓ અને માતાની તંદુરસ્તી મહત્વપુર્ણ ગણાવીને સરકાર દ્વારા ચાલતી સંલગ્ન યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અંજાર ધારાસભ્યશ્રી તેમજ પૂર્વ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે માતૃશક્તિને વંદન કરતા જણાવ્યું હતું કે, નારી ઉત્કર્ષથી દેશનો વિકાસ થાય છે. આપણી સંસ્કૃતિમાં નારીનું સન્માન પ્રથમ છે ત્યારે વર્તમાન સરકાર નારીઓના કલ્યાણ અને તેના વિકાસ માટે સક્રીયપણે કાર્યરત છે. મહિલાશક્તિને પુરૂષ સમોવડી ગણાવીને તેમણે મહિલાઓને શિક્ષણ થકી સર્વાંગી વિકાસ સાધી દેશના વિકાસમાં સક્રીય ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ, પોલીસની "શી" ટીમ, રાજકીય, બાલિકા પંચાયત, મહિલાને આત્મનિર્ભર બનાવવા, સમાજસેવા વગેરે ક્ષેત્રમાં યોગદાન આપનાર ૨૯ મહિલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભુજ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, જિલ્લા પંચાયતના કારીબારી સમિતિના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા, સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી ધનજીભાઇ હુંબલ, બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી ભગાભાઇ હુંબલ, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી લીલાવંતીબેન, મુકતજીવન સ્વામિબાપા આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રિન્સપાલશ્રી હીનાબેન ગંગર, અધિકારીશ્રીઓમાં નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી મેહુલ બરાસરા, ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ, દહેક પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે તથા સંબંધિત વિભાગના કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં કચ્છભરમાંથી મહિલાઓ હાજર રહી હતી.