થરાદના ડેલ ગામનો યુવક પત્નીને સોમવારે સવારે થરાદમાં આંગણવાડીની મિટીંગમાં મૂકવા આવ્યા હતા. ત્યારે થરાદ-મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના દરવાજા પાસે સ્કોર્પીયો ચાલક ટક્કર મારી સ્કોર્પિયો લઈ ફરાર ગયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
થરાદ તાલુકાના ડેલ ગામના અમરતભાઈ વાઘજીભાઈ ઓઝા સોમવારે સવારે થરાદ ખાતે આંગણવાડીની મીટીંગ હોય પોતાની પત્ની ગુણીબેનને થરાદ મુકવા માટે આવ્યા હતા. આ વખતે થરાદ-મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના દરવાજા પાસે તેમના જીજે-08-બીકે-1638 નંબરના બાઇકને રોડની સાઈડો જોયા વગર પોતાની જીપ હંકારી જીજે-27-સીએફ-8055 નંબરની સ્કોર્પીયોના ચાલકે ટક્કર મારી હતી. આથી રોડ પર પટકાયેલા અમૃતભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેમને તાબડતોબ સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દરમિયાન બપોરના 1:30 વાગ્યાના સુમારે તેમનું બેભાન અવસ્થામાં જ કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ શૈલેષભાઈ વાઘજીભાઈ ઓઝા (રહે. ડેલ દેવડાવાસ, થરાદ)એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાસી છુટેલા સ્કોર્પિયો જીપના ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે શહેર અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.