સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતનાએ સમીક્ષા કરી
લોકોને બુસ્ટર ડોઝ લેવા તેમજ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવા સાંસદશ્રીની અપીલ
કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર તેમજ તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતેની જનરલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદશ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સાંસદશ્રી પૂનમબેન માડમે કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ ઑક્સીજન પ્લાન્ટ, બેડ, કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કર્યા હતા.
સાંસદશ્રીએ હોસ્પિટલમાં ઓપીડી વિભાગ તેમજ દાખલ દર્દીઓના પરિજનો સાથે વાતચીત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો આપી દર્દીઓની પૂરતી તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લોકો કોરોનાને લઈને સાવચેત રહે તે હેતુથી આજે દેશભરમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા ખાતેની જનરલ હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ છે. તેમજ લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા, બુસ્ટર ડોઝ લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સુરક્ષિત રહેવા સાસંદશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલ મોકડ્રિલમાં જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.