બનાસકાંઠાના ડીસામાં એક વર્ષ અગાઉ શહેરના મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં મુખ્ય આરોપીની ચાર્જશીટ દાખલ કર્યા બાદ રજૂ કરવામાં આવી હતી. જે રેગ્યુલર જામીન અરજી ડીસાની નામદાર કોર્ટે ફરી નામંજૂર કરી છે. આ કેસમાં હજુ સુધી ત્રણ આરોપીઓ પકડાયા છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.
ડીસા શહેરના મધ્યમાં આવેલા ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્કમાં 500થી પણ વધુ લોકો માલિકી સાથે વસવાટ કરે છે. એક વર્ષ અગાઉ કેટલાક ભેજાબાજ કૌભાંડીઓએ આ જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ આચર્યું હતું. જે મામલે ખોટા દસ્તાવેજ, ખોટા ડોક્યુમેન્ટ તેમજ રેકોર્ડ ઉભા કરી આ જમીન બારોબાર વેચી મારી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં પોલીસે અત્યાર સુધી માત્ર ત્રણ જ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.
સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અને પકડાયેલા મુખ્ય આરોપીઓમાં પાટણના કલાના ગામના મનુ દેસાઈએ તેમની રેગ્યુલર જામીન માટેની અરજી ડીસા અને ત્યારબાદ હાઇકોર્ટેમાં મૂકી હતી. જોકે તે સમયે હાઇકોર્ટે સુધી જામીન મળ્યા ન હતા. ત્યારબાદ અરજદારે ચાર્જશીટ રજુ કર્યા બાદ ફરી ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ફરી રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં સરકાર તરફે વી.બી. કંસારા અને મૂળ ફરિયાદી તરફે ભાવિન ડી. કાપડિયાની રજૂઆતને ધ્યાને લઈ નામદાર કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું હતું કે, આ કેસના કાગળો અને રેકોર્ડ ઉપરની હકીકતોને ધ્યાને લેતા આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો, પ્રથમ દર્શનીય કેસ તથા વેલ ફાઉન્ડેડ મટીરીયલ દૃષ્ટિગોચર થાય છે. ગુનાની ગંભીરતા જોતા હાલની અરજી ન્યાયોચીત્ત જણાતી નથી, તેમ કહી આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસની તપાસ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરતા હતા. દરમિયાન તપાસમાં ઢીલી નીતી રાખતા હોવા બાબતે ફરિયાદી એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને ગુનાની તપાસ સી.આઈ.ડી મારફતે કરાવવા માટે દાદ માંગેલી હતી. જે અંતર્ગત હાલમાં આ ગુનાની તપાસ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના હુકમથી દિયોદર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક ચલાવી રહ્યા છે.