ડીસાના ધારાસભ્ય એકશન મોડમાં:નેશનલ હાઇવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે સ્થળ મુલાકાત; એક સપ્તાહમાં કામ પૂર્ણ કરવા સૂચન

ડીસામાં સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બન્યા બાદ ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન હલ થયો નથી. જેથી આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ નેશનલ હાઇવેના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને સાથે રાખી વાહનચાલકોની મુશ્કેલીઓ નિવારવા પુલ નીચે કેટલીક જગ્યાએ જાળી હટાવવા તેમજ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા સ્થળની મુલાકાત લઈ એક સપ્તાહમાં પ્રશ્ન હલ કરવા સૂચના આપી હતી.

કોન્ટ્રાક્ટરને સાથે રાખી વિવિધ સ્પોટ પર મુલાકાત

ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકારે સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો પોણા ચાર કિલોમીટરનો એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. બ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા તો હલ થઈ ગઈ છે. પરંતુ પાર્કિંગનો પ્રશ્ન યથાવત રહેતા બ્રિજના બંને છેડે પાર્કિંગ ખુલ્લું કરાવવા, સેફ્ટી માટે લગાવેલી જાળીઓ હટાવવા, રીસર્ફેસિંગ કરાવવા સહિતના પ્રશ્નો અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરને સાથે રાખી વિવિધ સ્પોટ પર મુલાકાત કરી હતી.

એક સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરાશે: અધિકારી

જેમાં બ્રિજની કામગીરી બાદ નીચે પડેલા ખાડાઓ પૂરી તેના ઉપર રિસરફેસિંગ કરવા તેમજ ગાયત્રી મંદિર વિસ્તારમાં બ્રિજ નીચેનું પાર્કિંગ ખુલ્લું કરાવવા તેમજ બંને તરફ રોંગ સાઈડમાં આવતા વાહનોને યોગ્ય ડાયવર્ટ આપવા પુલની બંને સાઈડની જાળીઓ હટાવવા અંગે પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત બ્રિજના પાલનપુર તરફના છેડે પણ પાર્કિંગ ખુલ્લું કરાવવા અને આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ એક્ટિવેટ કરવા પણ સુચના આપી હતી. ધારાસભ્યએ આ સમગ્ર કામગીરી માટે અધિકારી અને કોન્ટ્રાક્ટર પાસે સમય માંગતા તેઓ એક સપ્તાહમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું.

બ્યુરો રિપોર્ટ દિપક પઢીયાર બનાસકાંઠા