પ્રશાસન ગાંવ કી ઓર' અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંકલન સમિતિના અધિકારીઓનો "સુશાસન પર વર્કશોપ" યોજાયો.. 

બનાસકાંઠા જિલ્લામાં 'પ્રશાસન ગાંવ કી ઓર' અભિયાન હેઠળ થયેલા વિશેષ કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.. 

નાગરિકોની ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે.. 

(માહિતી બ્યુરો, પાલનપુર)

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુરના કોન્ફરન્સ હોલમાં 'પ્રશાસન ગાંવ કી ઓર' અભિયાન હેઠળ સંકલન સમિતિના અધિકારીઓનો સુશાસન પર વર્કશોપ યોજાયો હતો.

                કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ (DARPG), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા 19મીથી 25મી ડિસેમ્બર 2022 દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન, DARPG સુશાસન સપ્તાહ 'પ્રશાસન ગાંવ કી ઓર' રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયુ છે. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં 'પ્રશાસન ગાંવ કી ઓર' અભિયાન હેઠળ થયેલા વિશેષ કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વહીવટી સુધારણા અને સરકારી વિભાગોના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

            પ્રશાસન ગાંવ કી ઓર' અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં થયેલા વિશેષ કામો જેમાં NIC દ્વારા ડેવલોપ કરાયેલ " માય રેશન " મોબાઈલ એપ્લિકેશન, જળસંચય અભિયાન હેઠળ જિલ્લાના વેડંચા ગામે તૈયાર થયેલ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ગ્રે વોટર ટ્રીટમેન્ટની સુંદર કામગીરી, કુવા બોર રીચાર્જ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમ બદલી પ્રક્રિયામાં ગુગલ શીટનો ઉપયોગ કરી બનાસકાંઠા જિલ્લા પંચાયતના સરકારી કર્મચારીઓની બદલીઓમાં પારદર્શિતાની નવતર પહેલ જેવા વિશેષ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.

                 નોંધનીય છે કે જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ ૧૫૦૦ જેટલા કુવા બોર રીચાર્જ થયા છે. જેનાથી જે તે વિસ્તારમાં પાણીના તળ ૨૫૦ ફૂટ જેટલા ઊંચા આવ્યા છે. તો વેડંચા ગામે નાગરિકોની જાગૃતિ, હકારાત્મક અભિગમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયથી ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Grey water treatment plant) શરૂ થવાથી પાણીને ખેતી માટે વપરાશ લાયક બનાવવામાં આવી રહ્યું છે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ (Groundwater recharge) કરવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે.

                વર્કશોપ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ નાગરિકો અને સંસ્થાઓના ડિજિટલ સશક્તિકરણ તરફ મજબૂત રીતે આગળ વધવાની સાથે નાગરિકોની ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે તમામ સરકારી વિભાગમાં પારદર્શિતા સાથે સંકલન અને અમલિકરણ પર ભાર મૂકી તમામ અધિકારીઓશ્રીને સુશાસન સપ્તાહની શુભેચ્છાઓ પાઠવી હતી.

                 વર્કશોપમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે ચૌધરી સહિત સંકલન સમિતિના તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.