ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે.
કમલમ ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન તરફથી નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં કનુ દેસાઇએ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. ત્યારબાદ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રાજભવન પહોંચ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલની પક્ષના નેતા તરીકે પસંદગીનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો અને સરકાર રચવાનો દાવો રજૂ કરી શપથવિધિ માટેનો સમય માગ્યો હતો. રાજ્યપાલે દાવો સ્વીકારી સોમવારે બપોરે 2 વાગ્યાનો સમય આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સભ્યોની સોમવારે યોજાનારી શપથ વિધિમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ આમંત્રણ આપવામાં આવનાર છે. આ ઉપરાંત બે હજારથી વધુ કાર્યકરો તેમજ સાધુ-સંતો, મહંતો પણ મોટી સંખ્યામાં શપથવિધિમાં હાજરી આપશે. તે સિવાય ગુજરાતના પ્રતિષ્ઠિત અને જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહેશે.