ગુજરાતમાં AAPની હાર થતાં અરવિંદ કેજરીવાલની આગાહી નિષ્ફળ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ભાજપે પ્રચંડ બહુમત મેળવી લેતા તેમના તમામ દાવાઓ અન્ પ્રયાસો નિષ્ફળ થયા છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આપને સીટો મળવાની અપેક્ષા હતી પરંતુ તમામ 12 સીટો પર ભાજપની જીત થતાં આપભૂંડી રીતે હારી છે. ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ગુજરાતની જનતાને 40 લાખ વોટ આપીને આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી તે બદલ ખુબ ખુબ આભાર માનું છું. ચૂંટણી હાર્યા બાદ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, કતારગામ વિધાનસભાની ચુંટણીમાં તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ, ટીંબી ગામના યુવાનો, સગાઓ, પરિચિતો, સ્નેહીઓ, શુભચિંતકો સહિત પ્રેમ આપનાર કતારગામની જનતાનો ખુબ ખુબ આભાર તેમજ વિજેતા ઉમેદવારને અભિનંદન. ચુંટણી હાર્યો છું, હિંમત નથી હાર્યો.
આમ આદમી પાર્ટી 5 સીટો પર જીતી છે અને વિધાનસભામાં જગ્યા મળી છે. દેશની સૌથી નાની પાર્ટીએ દેશ અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ સામે લડ્યા અને ચૂંટણી હાર્યા છે પરંતુ મનમાં ખૂબ ઉત્સાહ છે. ફરી આગળ આપણે સંઘર્ષના રસ્તે લોકોની વચ્ચે જઈને અમારી અંદર કોઈ ખામી રહી ગઈ હશે તે સુધારીશું.
કતારગામ બેઠક પર આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઇ છે. જોકે, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું છે. વિસાવદર બેઠક પરના ઉમેદવાર ભૂપત ભાયાણીની 7 હજાર મતથી જીત થઈ છે. સુરતની વરાછા બેઠક પર આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ આજે હાર્યા બાદ કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. પ્રચાર દરમિયાન અલ્પેશ કથીરિયા કુમારભાઈને કાકા કહીને સંબોધન કરતા હતા. ત્યારે આજે કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથીરિયાએ શુભકામના પાઠવી હતી.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર