મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાના EVM મહેસાણા નજીક આવેલી મર્ચન્ટ કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે. જ્યાં ગઈ કાલે રાત્રે કેટલીક વધારાની ગાડીઓની અવરજવર થતા હાજર કાર્યકરોએ કોંગ્રેસ અને AAPના ઉમેદવારને જાણ કરતા ભારે હોબાળો મચ્યો હતો.
ચૂંટણી બાદ બાસણા મર્ચન્ટ કોલેજમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં EVM મુકવામાં આવ્યા છે. જ્યાં ગઈ કાલે રાત્રે 7થી 11 વાગ્યા સુધી બિનજરૂરી શંકાસ્પદ ગાડીઓની અવરજવર થતા હાજર રહેલા કાર્યકરોએ રાતે હોબાળો મચાવ્યો હતો ને બહારથી આવતી ગાડીઓ મામલે વિરોધ કર્યો હતો.
મધરાતે થયેલા હોબાળામાં વિજાપુર કોંગ્રેસ ઉમેદવાર સી.જે.ચાવડા, વિસનગર કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ, મહેસાણા AAP ઉમેદવાર ભગત પટેલ સહિતના મોટા ભાગના વિપક્ષ ઉમેદવાર પોતાના કાર્યકરો સાથે રાત્રે ઉંઘમાંથી ઉઠી મહેસાણા મર્ચન્ટ કોલેજ દોડી આવ્યા હતા. જ્યાં કાળા કાચ વાળી ગાડીઓને રાત્રે પ્રવેશ કેમ આપો છો એમ કહી હંગામો મચ્યો હતો.
કોંગ્રેસ અને AAPના ઉમેદવાર અને કાર્યકરો સાથે મળી આ મામલે સુરક્ષા કર્મીઓ સામે ગાડીઓ પ્રવેશ આપવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મધરાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતા, તેમજ કલેક્ટરએ ઉમેદવારોને સાથે લઇ જઇ તમામ EVM તપાસ કરાવ્યાં હતા. જે તમામ EVM સીલ પેક હતા.
બાદમાં તપાસમાં સામે આવ્યું હતું કે, જે ગાડીઓ રાત્રે અવરજવર કરતી હતી એ પોલીસ કર્મીઓ અને અંદર રહેલા ઇલેક્ટ્રિક અને કેમેરાની કામગીરી કરતા લોકોની ગાડીઓ હોવાથી કોંગ્રેસ અને AAPના ઉમેદવારએ હાશકારો અનુભવ્યો હતો ને બાદમાં કલેક્ટરએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.