કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવ અંગે ધરતીપુત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

ભુજ : ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના ઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in(આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિવિધ સહાયની અરજીઓ કરી શકાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવની સેવાની અરજીઓ અંગે રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૨૮/૦૭/૨૦૨૨ થી ૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુક્યું છે. આ યોજનામાં ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. જે ધ્યાને લઇ સૂચિત સમય મર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઈનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે આથી, અરજદારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઈ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત રહેતી નથી તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી, કચ્છ–ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.