બોટાદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨નું મતદાન તા. ૦૧ ડિસેમ્બરના રોજ થનાર છે. ત્યારે કેન્દ્રના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાની બંને વિધાનસભા બેઠકના કુલ મતદાન કેન્દ્રોના ૫૦ ટકાથી વધુ મતદાન કેન્દ્રોનું વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

        બોટાદ કલેક્ટર કચેરીના પ્રથમ માળે વેબકાસ્ટીંગ કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા અને અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે કંટ્રોલરૂમની મુલાકાત લઈ આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા. 

        અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના કુલ ૩૨૦ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાન વખતે કોઈ ગેરરીતિ ન સર્જાય તેમજ કોઈ સમસ્યા સર્જાય તે પહેલા જરૂરી અટકાયતી પગલા લઈ શકાય તે માટે વેબકાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ વેબકાસ્ટીંગ મતદાન કેન્દ્રો પર સ્ટાફ પહોંચ્યાથી લઈને આવતીકાલે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવશે.