મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લાડોલના સુંદરપુરા ગામે બાઈક ઉપર સવાર થઈ શાકભાજી લેવા જઈ રહેલા બે યુવકને ટ્રેક્ટરે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મૂળ વિજાપુર તાલુકાના માઢી ગામના રહેવાસી ડામોર રમેશભાઈ એ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી અલ્પેશ ગરસીઆ નામના યુવક સાથે બાઇક પર સવાર થઈને સુંદરપુરા ગામે સાંજે આઠ કલાકે સુંદરપુરા જી.ઇ.બી નજીક આવતા એક ટ્રેક્ટર ચાલકે ટ્રેકટરની લાઈટો બંધ કરી ફરિયાદીના બાઇકને અડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો ફંગોડાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં 108 મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે હિંમતનગર રીફર કરાયા હતા. આ સમગ્ર મામલે હાલમાં લાડોલ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.