સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારે પોતાના કોઇ પણ હરીફ ઉમેદવારનું નામ લીધા વગર એવી ગંભીર ફરીયાદ સુરત પૂર્વના ચૂંટણી ઓબ્ઝર્વર સુરેશ ચૌધરીને કરી છે કે તેમના વિસ્તારના લઘુમતિ મતદારોને મતદાનથી વંચિત રહે તેવા થઇ રહેલા પ્રયાસોમાં જે લઘુમતિ મતદારો પોતાના મતદાન માટે જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટસ જમા કરાવે તેમને 500થી 1000 રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી રહી છે. સૂરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે એવી પણ રજૂઆત કરી કે ચૂંટણી અધિકારીઓએ ખાસ કરીને રાત્રીના સમયે સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવું જોઇએ. લઘુમતિ મતદારો મતદાનથી વંચિત રહી જાય તે માટે અસામાજિક, રાજકીય તત્વો દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. લઘુમતિ સમાજને મતદાનથી વંચિત રાખવા માટે અજમેર કે અન્ય ધાર્મિક સ્થાનો માટે ફ્રીમાં ટૂર કરાવવામાં આવી રહી છે. જેમાં લકઝરી બસો તા. 29 અને તા. 30મી નવેમ્બરે રાત્રી નિર્ધારિત કરવામાં આવી છે. આ બાબતની ઘનિષ્ઠ તપાસ કરીને આ માટે વપરાયેલા વાહનો જપ્ત થાય તે માટેની માગણી સુરત પૂર્વના કોંગ્રેસી ઉમેદવાર દ્વારા કરવામાં આવી છે.