માંગરોળના દરિયાકાંઠે નશીલા પદાર્થના વધુ ૧૭ પેકેટ મળી આવ્યા

 માંગરોળના દરીયાકાંઠે મંગળવારે મોડી રાત્રે કોફીના પેકિંગની આડમાં ચરસના ૮ જેટલા પેકેટ બિન વારસી હાલતમાં મળી આવ્યા બાદ  સવારે એક બાચકામાં વધુ ૧૭ પેકેટ મળી આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આંતરરાષ્ટ્રીય બજારકિમત મુજબ લાખોની કિંમતના મનાતો નશીલો પદાર્થ અહીં આવ્યો કઈ રીતે ? તે મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

​​​​​​​

જાણવા મળતી વિગતો મુજબ :- અત્રેના બંદર વિસ્તારમાં નવી જેટીની આસપાસ દરીયાકાંઠે કેટલાક પેકેટ તરતા હોવાની જાણ થતા માંગરોળ મરીન પોલીસ તથા જુનાગઢ એસઓજી, એફએસએલની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પરદેશની બનાવટના શંકાસ્પદ જણાંતા નાબોબ કોફી લખેલા પેકેટ્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા અંદર નશીલો પદાર્થ હોવાનું જણાયું હતું. દરમ્યાન એફએસએલના રિપોર્ટમાં તે ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું. આખી રાત પોલીસ તપાસના ધમધમાટ બાદ સવારે બંદરના ચોપાટી વિસ્તારમાં એક બાચકુ મળી આવ્યું હતું. જેમાંથી પણ મંગળવારે રાત્રે મળેલા પેકેટ જેવા જ વધુ ૧૭ પેકેટ્સ મળી આવ્યા હતા. આ દરેક પેકેટસનું વજન એકાદ કિ.ગ્રા. આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ તમામ પાઉચની ઉપર એક પ્લાસ્ટિકની થેલીનું પેકિંગ છે. જેમાં અફઘાન પ્રોડક્ટ તેમજ ડાયમંડ ક્વોલિટી લખેલું છે. હાલ પોલીસે તમામ પેકેટ કબ્જે લીધા છે. આ ઉપરાંત શીલ નજીકના આંત્રોલીના દરીયાકાંઠેથી પણ ૧૪ જેટલા પેકેટ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે. કુલ ૩૯ જેટલા પેકેટ્સ મળી આવતા દરીયાઈ માર્ગે નશીલા દ્રવ્યોની હેરફેર થતી હોવાનું સ્પષ્ટ થયું છે. સાથે જ મોજામાં તણાઈને જ આ જથ્થો દરીયાકાંઠે આવ્યો હોવાનું અનુમાન છે. માંગરોળ મરીન, શીલ તથા ચોરવાડ પોલીસ દ્વારા સવારથી જ દરીયાકાંઠાના ૨૦ થી ૨૫ કિ.મિ.ના એરીયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુનાગઢ એસ.પી.એ દરીયાઈ પટ્ટીની પોલીસને એલર્ટ કરી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે

વિપુલ મકવાણા અમરેલી