કડીના મામલતદાર કચેરીથી થોળ રોડ ઉપર આવી રહેલી સફારી ગાડીએ માસુમ 8 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું મોત થયું હતુ. કડી શહેરના કરણનગર રોડ પર આવેલી મામલતદાર કચેરીથી એક ગાડી થોળ રોડ તરફ આવી રહી હતી. જ્યાં 8 વર્ષનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો. જે દરમિયાન ગાડી ચાલકે બાળકને અડફેટે લેતા બાળક રોડ ઉપર પછડાયો હતો. જ્યાં અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કડી શહેરના થોળ રોડ પર આવેલા દશામાના મંદિર પાસે રહેતા દિલીપ પટણી જેઓ શાકભાજીનો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ભત્રીજો કપિલ ઉંમર વર્ષ 8 કે જે રોડ ઉપર રમી રહ્યો હતો. રોડ ક્રોસ કરવા જતાની સાથે જ મામલતદાર કચેરી તરફથી આવી રહેલી સફારી ગાડી નંબર GJ 2 DM 8407 ચાલકે ધડાકા ભેર બાળકને અડફેટે લેતા બાળક રોડ ઉપર પછડાયો હતો. જ્યાં અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા. અકસ્માત કરનાર ગાડી ચાલક બાળકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ ગયો હતો અને બાળકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું હોસ્પિટલમાં જ મોત નીપજ્યું હતુ. બાળકના કાકાએ ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.