કલોલમાં મંદિર પર રાજકીય પક્ષનો ઝંડો લગાવવાની બાબતે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કલોલના શેરીસામાં નર્મદા કેનાલ પાસે આવેલા બહુચર માતાના મંદિર ઉપર રાજકીય પક્ષનો ઝંડો લગાવવામાં આવ્યો હતો. જોકે, મંદિર ઉપર ઝંડો લગાવવાની યુવકે ના પાડતા ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો હતો. જે બાદ યુવકને લોહીની ઉલટી થતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ કહ્યું કે, જ્યાં સુધી FIR નહીં નોંધાય ત્યાં સુધી મૃતદહે સ્વિકારવામાં નહીં આવે.

સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ મુકેશજી વજાજીએ જણાવ્યું કે, બહુચર માતાજીના મંદિર ઉપર પેલા લોકોએ ડાયરેક્ટ ઝંડો લગાવી દીધો હતો. એટલે મારા ભાઈએ કહ્યું કે, અહીં માતાજીનું મંદિર છે, એટલે ભાજપનો કે કોંગ્રેસનો ઝંડો લગાવશો નહીં. આ બાબતને એક દિવસ વિત્યા બાદ ઝંડો લગાવા આવેલા શખ્સો ફરી આવ્યા અને મારા ભાઈને કહ્યું કે તે ઝંડો લગાવવાની ના કેમ પાડી હતી? એટલે મારા ભાઈએ કહ્યું કે, માતાજીનું મંદિર છે, એટલે અહી ઝંડો નહીં લગાવવાનો આટલુ બોલતાની સાથે જ આવેલા ત્રણ શખ્સો ડાયરેક્ટ મારવા લાગ્યા હતા. જેમાં તરણ, કનુ અને નટુ આ ત્રણેય જણામાંથી બે જણાએ મારા ભાઈને પકડી રાખ્યો અને એક જણાએ ફેટો મારી હતી. ત્યારબાદ જતા જતા એ લોકોએ ઘરની બહાર નીકળશો તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હોસ્પિટલ જવાનું કહેતા ડરી ગયેલા મારા ભાઈએ કહ્યું કે, મને બોવ તકલીફ નથી. પેલા લોકોએ તેને વધારે માર્યો હતો પણ ધમકી ના બીકે અમે બહાર નીકળ્યાં નહીં. ત્યાર બાદ આજે તા.27/11ના સાંજના 6 વાગે મારો ભાઈ ઉલટી કરવા લાગ્યો એટલે તરત જ ગાડીમાં નાખી હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.​​​​​​​

આ બનાવને પગલે કલોલ સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા. મૃતકના કૌટુંબિક ભાઈના જણાવ્યાં પ્રમાણે આ ઘટના અંગેની ફક્ત અરજી લેવામાં આવી છે. જ્યાં સુધી પાકી FIR નહીં થાય, ત્યાં સુધી મૃતકની બોડી સ્વીકારવામાં નહીં આવે એવી ચીમકી પણ આપવામાં આવી છે.