સુરત કાપડ માર્કેટમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી કાપડ વેપારીઓએ અન્ય રાજ્યોમાં વેચેલા કાપડના રૂપિયા સમય પર નહી મળવાની સમસ્યાથી પરેશાન છે. સુરતના વેપારીઓના કરોડો રૂપિયા અટવાયા છે અને તેમાંથી મોટી રકમ કદાચ નહી મળે તેવી આશંકા પણ છે. સતત વધી રહેલી આ સમસ્યાના ઉકેલ રૂપે કાપડ વેપારીઓએ સોદો કરાવનાર મધ્યસ્થી એટલે કે એજન્ટ અથવા બોકરની જવાબદારી નક્કી કરવાનો નિર્ણય લીધો છે.
અન્ય રાજ્યોમાં સુરતના વેપારીઓના કરોડો રૂપિયા અટવાયા
સુરત મર્કેન્ટાઇલ એસોસિયેશન દ્વારા આયોજિત મિટિંગમાં મોટી સંખ્યાંમાં વેપારીઓ હાજર રહ્યા હતા. વેપારીઓએ રિટર્ન ગુડ્સ અને પેમેન્ટની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં વેપારીઓનું કહેવું હતું કે અન્ય રાજ્યોમાં વેચેલા માલનું પેમેન્ટ નથી મળી રહ્યું. ચર્ચા-વિચારણા બાદ તમામ વેપારીઓએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે હવેથી ઓર્ડર ફોર્મ અને બિલની એક કોપી પર એજન્ટ કે બોકરનો પણ સિક્કો લેવામાં આવશે કે જેથી સોદામાં તેની પણ જવાબદારી સાબિત થઇ શકે. તે સિવાયએજન્ટ અને બોકરના આધારકાર્ડ સહિતના પુરાવા પણ વેપારીઓ સાથે રાખે તેવો નિર્ણય લેવાયો હતો. અગાઉની મિટિંગમાં પણ રિટર્ન ગુડ્સની સમસ્યાને લઇ વેપારીઓની ફરિયાદ મળતા યોગ્ય કારણ વગર અન્ય રાજ્યોના વેપારી માલ પરત મોકલે તો તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.