શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્ર દ્વારા જ પિતાની ઘાતકી હત્યા કરાઇ હોવાની ઘટના બની છે. દારૂના નશામાં પિતાએ તેની માતાને માર મારતાં આ કરુણ અંજામ આવ્યો હતો. પતિએ તેના સગીર પુત્રની સામે જ પત્નીને માર મારતાં પુત્ર ઉશ્કેરાયો હતો અને પિતાનું જ ઢીમ ઢાળી દીધું હતું. માતા સાથે મારઝૂડ કરતાં પુત્ર ઉશ્કેરાયો

આ ઘટના શહેરના ઉધના પાલિકાના આવાસની છે. જ્યાં રહેતો વ્યક્તિ દારૂના નશામાં પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ગત 22મી તારીખે સવારના સમયે તેણે દારૂના નશામાં પત્ની સાથે મારઝૂડ કરી હતી. તે સમયે ઘરમાં સગીર પુત્ર હાજર હતો. માતાને મારતાં જોઇને સગીર પુત્ર ઉશ્કેરાયો હતો અને પિતા પર હુમલો કરી દીધો હતો. પુત્રએ પિતાને ચપ્પુ મારી દીધું હતું અને કાનના ભાગે હથોડી મારી હતી. ગંભીર રીતે ઘાયલ શખ્સને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તે પોલીસને કહ્યુ- રસ્તામાં પડી ગયો

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ શખ્સે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે રસ્તા પર પડી ગયો હોવાથી તેને આ ઇજા પહોંચી છે. જોકે, ઇજાને જોતાં પોલીસ અને તબીબને શંકા ગઇ હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતાં ઇજાગ્રસ્ત વ્યક્તિએ જણાવેલ સ્થળના સીસીવીટી તપાસ્યા હતા. સીસીટીવીમાં આવી કોઇ ઘટના ન બની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, સગીર પુત્રે જ પિતા પર હુમલો કર્યો હતો.

ઘટનાના લગભગ ત્રણ દિવસ બાદ ઇજાગ્રસ્ત શખ્સનું મોત નિપજ્યું હતું. જેના પગલે પોલીસે પોતે ફરિયાદી બની સગીર પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પિતાની હત્યા નિપજાવનાર 15 વર્ષીય સગીર પુત્ર ધોરણ 9માં અભ્યાસ કરે છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.