પાલનપુર પંથકની એક સગીરાને બે વર્ષ અગાઉ રાત્રિના સમયે તેણીના મામાના ઘરથી અપહરણ કરી એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં સોમવારે ચાલી જતાં ન્યાયાધીશ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકારતાં કોર્ટ સંકુલમાં સોંપો પડી ગયો હતો.

પાલનપુર પંથકની સગીરા પર તા.10 ડિસેમ્બર-2022 ના રોજ તેના મામાના ઘરે પોતાના ખાટલામાં સૂતી હતી. તે વખતે રાત્રિના સમયે કોઈ શખસ દ્વારા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, લલચાવી, ફોસલાવી, બદનામ કરવાના ઇરાદે ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના માતાએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હુસેન રહીમ અબ્બાસભાઈ મોવર (મિયાણા) (રહે. છત્રીસ ક્વાર્ટર, મકાન નંબર-64, ભારત નગર ગાંધીધામ, જી.કચ્છ) સામે અપહરણ, દુષ્કર્મ, મદદગારી અને પોક્સો એક્ટનો ગુનો નોંધ્યો હતો.

જે અંગેનો કેસ સોમવારે પાલનપુર સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ અમિત જે. કાનાણીએ સરકારી વકીલ જશુભાઇ એસ.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી દુષ્કર્મના ગુનામાં આરોપી હુસેન રહીમ અબ્બાસભાઈ મોવરને 20 વર્ષની સજા તેમજ રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.